
બાયડ તાલુકામાં એક કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકયો
અરવલ્લી જિલ્લામાં બે દિવસના વિરામ પછી આજે વરસાદની શરૂઆત થઈ જેમાં બાયડ તાલુકામાં જાણે દર વખતે મેઘો મહેરબાન બનતો હોય એમ આજે ફરી એક વાર બાયડ પૂર્વ વિભાગમાં ભારે વરસાદથી લાંક ડેમમાં પાણીની આવક થતા ડેમ ઓવરફ્લો થયો.
આજે બાયડ તાલુકામાં અને પૂર્વ વિભાગ સાઠંબા, ઇન્દ્રણ વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે. જેથી લાંક ડેમ છલકાયો છે. ડેમમાં લેવલ જાળવી રાખવા માટે 300 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેથી ડેમાઈ સહિતના જે નિચાણવાળા ગામો છે તેમને સતર્ક કરવામાં આવ્યા છે. જ્યારે બાયડના માધવ કંપા, નાથુબાપાના કંપા, શંકરપુરા વગેરે ગામોમાં પણ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે.આજના બાયડના ભારે વરસાદથી વારાસી નદીમાં પણ પાણીની આવક થઇ છે. જેથી વારેણા અને બોરમઠ ગામ વચ્ચે આવેલો ક્રોઝવે ઓવરફ્લો થયો છે અને ક્રોઝવે પર ત્રણ ત્રણ ફૂટ જેટલા પાણી આવ્યા છે. જેથી આ ક્રોઝવે છલકવાના કારણે 5 ગામો સંપર્ક વિહોણા બન્યા છે. આમ આજના બાયડ તાલુકામાં ખાબકેલા ભારે વરસાદની અસર ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી છે.