
અરવલ્લીમાં પવન સાથે ધોધમાર વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો
હવામાન વિભાગે અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદનું એલર્ટ આપેલું છે. ત્યારે આજે જિલ્લાના મેઘરજ પંથકમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. મેઘરજ નગરમાં વરસાદી પાણી ભરાયા છે. ત્યારે ભારે પવન અને વાવાઝોડાના કારણે મેઘરજ ગ્રીન પાર્ક ચોકડી વિસ્તારમાં મોટા મોટા હોર્ડિંગ ધરાશઇ થયા છે. હોર્ડિંગ તૂટીને નીચે ફ્રૂટનો વ્યવસાય કરતા વેપારીની ફ્રૂટ ભરેલી લારી પર પડ્યું હતું. જોકે વેપારી ખસી જતાં બચી જવા પામ્યો હતો. ત્યારે વહીવટી તંત્ર સામે પણ સવાલો ઉભા થાય છે. આવી જોખમી રીતે લગાવેલા હોર્ડિંગ્સથી કોઈ મોટી જાનહાની થાય તો જવાબદાર કોણ, તંત્ર દ્વારા નગરમાં લગાવેલા કેટલા હોર્ડિંગ્સની મંજૂરી અપાઈ છે. આ તમામ બાબતે તપાસ થાય એ જરૂરી છે.
મેઘરજ તાલુકામાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે. તાલુકાના રામગઢી પંથકમાં બરફના કરા સાથે વરસાદ ખાબક્યો છે. એ સિવાય ઇસરી, રેલ્લાવાડા, તરકવાડા, જીતપુરમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે. જેના કારણે ખેડૂતોને ખેતીમાં નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. જેમાં ખાસ કરીને મકાઈ, બાજરી અને ઘાસચારો પલડી ગયો હતો, જુવારમાં પણ પાણી ભરાયા છે. ત્યારે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.