મોડાસામાં વાવાઝોડા સાથે ખાબકેલા વરસાદથી મયુર કોમ્પ્લેક્ષના ધાબાની પેરફીટ તૂટી પડી
અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આજરોજ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા. ખાસ મોડાસાના બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા હતા. ત્યારે શહેરના મયુર કોમ્પ્લેક્ષના ધાબાની પેરાફિટ તૂટીને નીચે પડી હતી. ધોળે દિવસે લોકોની અવરજવર વચ્ચે પેરાફિટ તૂટી પડતા મોટી જાનહાનિ ટળી હતી. માલપુર રોડ પર જાહેર માર્ગ પર વૃક્ષો ધરાશાયી થયા હતા. વૃક્ષ ચાલુ વિજલાઈન પર પડતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. વીજ વિભાગના કર્મચારીઓને તાત્કાલિક બોલાવી વીજ પ્રવાહ બંધ કરાવી પડેલા વૃક્ષ ત્યાંથી હટાવ્યા હતા. આમ કમોસમી વરસાદથી મોડાસા શહેરમાં તારાજીના દૃશ્યો જોવા મળ્યા હતા.