
બાયડના લીંબગામે માજુમ નદીમાં નાહવા પડેલા ત્રણ યુવકો ડૂબવા લાગ્યા
અરવલ્લી જિલ્લાના નદી નાળા છલકાઈ ગયા છે. ત્યારે બાયડના લીંબ ગામનો યુવક ગામની નદીમાં નાહવા જતા એક યુવક પાણીમાં ડૂબ્યો હતો.બાયડ તાલુકાના લીંબ ગામે આવેલી માઝૂમ નદીમાં ગામનો 20 વર્ષીય યુવક ધર્મેન્દ્રસિંહ કાનૂસિંહ પરમાર અને તેના અન્ય બે મિત્રો ગઈકાલે સાંજે નાહવા પડ્યા હતા. પાણીનો પ્રવાહ ભારે હોવાથી ત્રણેય તણાવા લાગ્યા હતા. જેમાંથી બેનો આબાદ બચાવ થયો હતો, જ્યારે અન્ય એક ધર્મેન્દ્રસિંહ કાનૂસિંહ પરમાર નામનો યુવક પાણીમાં વધુ તણાવા લાગ્યો અને પાણીમાં ગરકાવ થયો હતો. સમગ્ર ઘટનાની જાણ બચી ગયેલા યુવકોએ વ્હાલીને કરતા ઘટનાસ્થળે ટોળે ટોળા ઉમટી પડ્યા હતા
ડૂબી ગયેલા યુવકની શોધખોળ માટે મોડાસા નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરી હતી. આજે વહેલી સવારથી મોડાસાનું ફાયર વિભાગ ઘટનાસ્થળે જઇ પાણીમાં ડૂબી જનાર ધર્મેન્દ્રસિંહ પરમારને શોધવા માટે રેસ્ક્યૂ શરૂ કર્યું છે. ગઈ સાંજે સ્થાનિક તરવૈયા અને આજે સવારથી નગરપાલિકા ફાયર વિભાગે રેસ્ક્યૂ શરૂ કર્યું છે પણ હજુ સુધી ડૂબી ગયેલા યુવકનો કોઈ પત્તો નથી. હાલ પણ યુવકના મૃતદેહ શોધવા માટે પાલિકા ફાયર વિભાગની કામગીરી શરૂ છે.