
મોડાસાનો તૌકિર પશુ-પક્ષીઓના અવાજ પોતાના મોઢાથી કાઢી શકે છે
મોડાસા ખાતે એક સામાન્ય પરિવારમાં રહેતો તૌકીર ચૌહાણ નામનો બાળક જે નાનપણ થીજ અનોખી કળા ધરાવે છે. તે નાનપણમાં મિત્રો સાથે રમવા જતો ત્યારે આજૂબાજૂમાં સંભળાતા પશુ-પંખીના અવાજો દ્વારા પ્રેરાઈ તેને પણ થયું કે, આપણે પણ આવા અવાજો કેમ કાઢી ના શકીયે. જેથી આ બાળકે જાતે ઘરે જુદા-જુદા પશુ પંખીઓના અવાજો કાઢવાનો પ્રયાસ શરુ કર્યો. આજે આ બાળક કોયલ, મોર, ગલુડિયું, નાનું બાળક, કૂતરું ભસવું, બિલાડી જેવા જુદા જુદા પ્રાણીઓના અવાજો આબેહૂબ કાઢી શકે છે. ત્યારે આ બાળક હાલતો તેની આ કળા દ્વારા શાળાના બાળકો તેમજ આસપાસના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
કુદરત કેટલાક લોકોને જન્મથી જ અનોખી કળાઓ આપે છે. જરૂર હોય છે તો તેને બહાર લાવવાની. ત્યારે આ કાર્ય ક્યાંક સ્કૂલો કરતી હોય છે. મોડાસા ખાતે આવેલી મખદૂમ હાઈસ્કૂલમાં ધોરણ 8માં ભણતા વિધાર્થીમાં પણ આવી જ કઈક પશુ પંખીઓના અવાજ કાઢવાની કળા છુપાયેલી હતી. ત્યારે શાળા દ્વારા આ વિધાર્થીને શાળાના એક કાર્યક્રમમાં સ્ટેજ ઉપર લાવી એક પ્લેટફોર્મ આપી આ બાળકમાં રહેલી પ્રતિભા બહાર લાવવાનું કામ કર્યું.
જેથી આ બાળક આજે શાળાના અન્ય બાળકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર તો બન્યો જ છે સાથે શાળાનું નામ પણ રોશન કરી રહ્યો છે. એક સામાન્ય ગરીબ પરિવારમાં જન્મેલા આ બાળકના પિતા મોડાસા ખાતે શાકભાજીની લારી ચલાવી પોતાનું જીવન ગુજરાન ચાવે છે. ત્યારે એક સામાન્ય પરિવારમાં જન્મેલા આ બાળકમાં રહેલી ટેલેન્ટથી બાળકે તેના પરિવારને પણ એક ઓળખ અપાવી છે.