ધનસુરાના દોલપુર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓ હિબકે ચડ્યા
ધનસુરા તાલુકાના દોલપુર પ્રાથમિક શાળામાં છેલ્લા દસ વર્ષથી રમેશસિંહ ચૌહાણ શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તેમની દસ વર્ષની શિક્ષણની સફર દરમિયાન વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રો સાથે અવિરત પ્રેમ સંપાદન કર્યો હતો. તેઓ શિક્ષણ બાબતે ખુબજ ખંતથી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા હતા. શાળામાં તેમના સારા શિક્ષણને લઈ 200 ઉપર વિદ્યાર્થીઓ ફરજિયાત શિક્ષણ માટે શાળામાં હાજર રહેતા હતા.
દસ વર્ષથી શિક્ષણમાં વિદ્યાર્થીઓના ઘડતરમાં મહેર એવા શિક્ષક રમેશસિંહ ચૌહાણને દોલપુર પ્રાથમિક શાળામાંથી મોડાસાની ગાઝણ પ્રાથમિક શાળા નંબર-3માં બદલીનો ઓર્ડર આવ્યો. બસ ત્યાંથી જ વિદ્યાર્થીઓ માટે જાણે એક પિતા શાળામાંથી બદલી કરીને જતા હોય એવા દૃશ્યો જોવા મળ્યા. દરેક વિદ્યાર્થીઓના આંખમાંથી આંસુ આવી ગયા અને હવે શિક્ષકની દોલપુર પ્રા. શાળામાંથી વિદાયની વેળા આવી તે વખતે તમામ વિદ્યાર્થીઓ ,શિક્ષકો અને ગ્રામજનો ખુબજ ભાવ વિભોર બન્યા હતા . દરેક વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ વિદાય લેતા શિક્ષકને ગળે મળીને પુષ્કળ રડવા લાગ્યા. આમ ગુરુ-શિષ્યના અનોખા પ્રેમભાવના દર્શનથી હર કોઈની આંખો ભીની થઇ ગઇ અને જો દરેક શિક્ષક પોતાની ફરજ સમજી આવો જ પ્રેમ વિદ્યાર્થીઓને આપે તો ક્યારે વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસમાં નિષ્ફળ ના જાય અને ગુરુ-શિષ્યની ક્યારેય મર્યાદા ના તૂટે આવા પ્રેરણાદાયી ગુરુ શિષ્યના પ્રેમની ચારેકોર ચર્ચા થઈ રહી છે.