
મોડાસાના શામપુર ગામે 800 ફૂટ ઊંચાઈએ ચુનામાંથી બનેલું 15 ફૂટ ઊંચાઈનું ઐતિહાસિક મેરાયું
ગુજરાતમાં એકમાત્ર અરવલ્લીના મોડાસા તાલુકાના શામપુર ખાતે 800 ફૂટ ઊંચાઈએ ડુંગર પર ઐતિહાસિક અને પૌરાણિક 15 ફૂટ ઊંચું ધાર્મિક મહત્વ ધરાવતું મેરાયું આવેલું છે. જેમાં 2 મણ ઘી પુરી સાફાની લંબાઈ જેટલી દિવેટ બનાવીને જ્યોત પ્રગટાવવામાં આવે છે.અયોધ્યામાં રામ રાજ્ય સ્થપાયું એની યાદમાં સમગ્ર દેશ દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવે છે. આ તહેવારની અનોખી પરંપરા પ્રમાણે દિવાળીની રાતે મેરાયુંની મશાલ લઈ ધર્મપ્રેમી જનતા ગામમાં ફરતી હોય છે. ત્યારે મોડાસાના શામપુર ખાતે 800 ફૂટની ઊંચાઈએ પાંડવ કાળનું પાંડવોએ જાતે બનાવેલ 15 ફૂટ ઊંચાઈનું મેરાયું ઐતિહાસિક મહત્વ ધરાવે છે.
વાત છે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના શામપુર ગામની, કહેવાય છે કે વર્ષો પહેલા દિવાળીના દિવસે આ ગામમાં આવેલ ઊંચા ડુંગર પર કૂઢેર મહાદેવનું સ્થાનક આવેલું છે. ત્યાં દિવાળીના દિવસે પાંડવો આવ્યા હતા અને ત્યાં ડુંગર પર આ સ્થાન પર રોકાયા હતા. દિવાળી હોવાથી પરંપરા મુજબ મેરાયું કરવું પડે તો પાંડવોએ 15 ફૂટ ઊંચું ચુનામાંથી મેરાયું બનાવ્યું અને આ મેરાયામાં જ્યોત પ્રગટાવી હતી. 800 ફૂટ ઊંચાઈ પર મશાલ પ્રગતિ એની જ્યોતના દર્શન આસપાસના 18થી 20 ગામના લોકોએ કર્યા અને ડુંગર પર કંઈક ચમત્કારિક ઘટના બની હોવાનો અહેસાસ થયો હતો. રાતનો સમય હતો એટલે જઇ ના શકાયું, પરંતુ સવાર થતા ભક્તો ડુંગર પર જઈને જોયું તો 15 ફૂટના મેરાયામાં બળેલી મોટી દિવેટ જોઈ જેથી ખ્યાલ આવ્યો કે પાંડવો આ સ્થાન પર આવીને મેરાયું બનાવીને ગયા. ત્યારથી આ સ્થાનનું અનોખું મહત્વ છે.શામપુર ગામે દર દિવાળીના દિવસે 18 ગામના લોકો 800 ફૂટ ઊંચાઈ પર આવેલ આ પૌરાણિક મેરાયા પાસે એકઠાં થાય છે અને આ મેરાયામાં દરેક ભક્તો ખૂબ માત્રામાં ઘી લઈને આવતા હોય છે. એ સમયે સાફાની લંબાઈ જેટલી દિવેટ બનાવીને રાત્રે મેરાયું પ્રગટાવતા હોય છે. આ મેરાયાના દર્શનથી તમામ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. કોઈપણ ભક્ત પોતાની બધા આખડી રાખે છે એ પરિપૂર્ણ થાય છે.