ભિલોડાના વાસેરાકંપા ગામમાં બંધ મકાનમાંથી લાખની ચોરી કરી ફરાર
ભિલોડાના વાસેરાકંપામાં ચોરોએ બંધ મકાનને નિશાન બનાવીને રાત્રે દરવાજાનો નકૂચો તોડી મકાનમાં રહેલી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ રફેદફે કરી તિજોરી અને કબાટનું લોક તોડીને તેમાંથી રોકડ અને સોના ચાંદીના ઘરેણા સહિત કુલ રૂ.1.81 લાખની ચોરી કરીને ચોરો પલાયન થઈ જતાં ચકચાર મચી ગઈ હતી. શામળાજી પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાઇ હતી. વાસેરાકંપામાં રહેતા પ્રવિણભાઈ રતનસીભાઈ પટેલ અને તેમનો પરિવાર ભૂજમાં રહેતા તેમના મોટા દીકરાના ઘરે મકાન બંધ કરીને ગયો હતો.
દરમિયાન રાત્રે ચોરોએ બંધ મકાનને નિશાન બનાવીને મકાનના દરવાજાનો નકૂચો તોડી મકાનમાં ઘૂસી તિજોરી કબાટ ખોલીને તેમાં રહેલી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ રફેદફે કરીને તિજોરીમાં મૂકેલા રોકડા 50,000,અને કબાટ અને તિજોરીમાં રહેલા સોનાની રૂ. 75 હજારની ચેન, ₹35,000 ની સોનાની બુટ્ટી, ચાંદીના 5 સિક્કા 10,000, ચાંદીનો તાર રૂ. 2000નો અને ચાંદીના ઝાંઝર રૂ.9000 સહિત કુલ રૂ.1,81,000 ની ચોરીને અંજામ આપીને ચોરો પલાયન થઈ ગયા હતા. ચોરીની ઘટનાની જાણ પાડોશીઓને થતાં મકાન માલિકને જાણ કરાતાં તેઓ પણ દોડી આવ્યા હતા. આ અંગે શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.