
મેઘરજનું રાજપુર ગામ પાણી પુરવઠા વિભાગની યોજનાથી વંચિત, મહિલાઓને સવારથી જ પાણી માટે દર દર ભટકવું પડે
ગુજરાત રાજસ્થાન સરહદે આવેલા મેઘરજ તાલુકાના અંતરિયાળ રાજપુર ગામની રાજપુર ગામ આસપાસ લગભગ 400 જેટલા મકાનો છે. 1500થી 2000ની વસ્તી રહે છે. આ વિસ્તારના રહીશો મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય પર નિર્ભર છે. દરરોજ વહેલા ખેત મજૂરીએ જવું પડે છે. ત્યારે આ વિસ્તારમાં પાણીની ભારે પારાયણ છે.
રહીશો મહિલાઓને પાણી માટે દર દર ભટકવું પડે છે. દરરોજ વહેલા મહિલાઓ ઘરનું કામકાજ, બાળકોને શાળા-કોલેજ મોકલવા આ તમામ કામ છોડી વહેલી સવારથી પાણી પાછળ થઈ લાગવુ પડે છે. સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા કરોડોના ખર્ચે પાણી પુરવઠાની એસકે-2, એસકે-3 યોજના હેઠળ પાઇપલાઇન અને સંપ દ્વારા પાણી પહોંચાડ્યાના પોકળ દાવા કરવામાં આવ્યા છે,
પરંતુ જમીની હકીકત કંઈક અલગ છે. દિવ્ય ભાસ્કર ડીઝીટલ દ્વારા આ વિસ્તારમાં પાણી સમસ્યાને લઈ ગ્રાઉન્ડઝીરો રિપોર્ટ કરવામાં આવ્યો. તો રાજપુર ગામમાં એક સદગ્રહસ્તના ઘર આગળ કરેલા બોરમાંથી ગામની તમામ મહિલાઓ બેડા માટલા ડોલ લઈને પાણી માટે લાઈનો લગાવે છે. એ બોરમાંથી પણ પૂરતું પાણી આવતું નથી. દર અડધો કલાકે એક બેડું પાણી મળી રહે છે.
ગામમાં પશુપાલન મુખ્ય વ્યવઆય છે. જો માણસોને પૂરતું પાણી નથી મળતું તો પશુઓનું તો કહેવું જ શું? મૂંગા પશુઓને તરસે મરવાનો વારો આવ્યો છે. પશુઓની હલાત જોઈને આંખમાં આંસુ આવી જાય એવી સ્થિતિ છે. દરેકના ઘર આગળ નળ છે, પરંતુ પાણી પુરવઠા વિભાગની બેદરકારીના કારણે એ નળમાં જળ નથી આવ્યું. સરકારના કરોડો ખર્ચેલા નાણાં જાણે પાણીમાં ગયા હોય એવું લાગી રહ્યું છે.
આ પાણી સમસ્યા આજની વાત નથી. છેલ્લા પાંચ વર્ષથી રાજપુર ગામના લોકો પાણી માટે તરફડિયા મારી રહ્યા છે. ગામના અગ્રણીઓએ અનેક વખત તંત્રમાં રજૂઆત કરી છે. પણ બહેરા તંત્રને રાજપુર ગામના રહીશોની રજૂઆત સંભળાતી નથી. ત્યારે આ વિસ્તારમાં જનતાને પાણી મળે એવી સ્થાનિકોની માગ છે.