યાત્રાધામ શામળાજીમાં ભૂદેવો દ્વારા રાજોપચારી પૂજા કરાઈ
ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મ દિવસ છે ત્યારે, સમગ્ર દેશમાં અલગ અલગ રીતે પીએમના જન્મ દિવસની ઉજવણી કરાઈ રહી છે. અરવલ્લી જિલ્લામાં પણ અનોખી ઉજવણી કરાઈ હતી.આજે ગુજરાતના પનોતા પુત્ર અને ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો 73મો જન્મ દિવસ છે ત્યારે, અરવલ્લી જિલ્લામાં નરેન્દ્રભાઈના દીર્ઘાયુ અને સારી તંદુરસ્તી રહે એ માટે અનોખી ઉજવણી કરાઈ હતી. ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાના સાનિધ્યમાં ચાર વેદના વૈદિક ભૂદેવો દ્વારા રાજોપચારી મહાપૂજા કરવામાં આવી હતી. મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અનિલભાઈ પટેલ દ્વારા આરતી પૂજન કરીને પ્રધાનમંત્રીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી.
અન્ય એક ઉજવણીમાં અરવલ્લી જિલ્લા પંચાયતના નવ નિયુક્ત જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકા ડામોર દ્વારા ગામમાં આવેલા મહાદેવના મંદિરે પીએમના 73માં જન્મદિને દિવાઓથી 73 લખેલી દીપમાળ બનાવી મહાદેવને અભિષેક કરાયો હતો. ભગવાન ભોળાનાથને નરેન્દ્ર મોદીના સારા આયુષ્ય અને તંદુરસ્તી માટે પ્રાર્થના કરાઈ હતી.