
અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી વરસાદ, નારીયેળીના ઝાડ પર વીજળી પડતા આગ લાગી
અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો છે. જિલ્લાના માલપુર, મેઘરજ, બાયડ, ધનસુરા, મોડાસા અને ભિલોડા પંથકમાં વરસાદ ખાબક્યો. માલપુર નગરમાં પડેલા વરસાદના કારણે નગરના મુખ્ય બજારના રસ્તાઓ પર નદી જેવા દૃશ્યો સામે આવ્યા. મોડાસા શહેરના મેઘરજ રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આવતા જતાં વાહનચાલકોને પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. હજુ પણ દિવસ દરમિયાન ભારે વરસાદ થવાની સંભાવના છે.
અરવલ્લી જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં સવારથી જ ભારે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે. ત્યારે મેઘરજ તાલુકાના માળકંપા ગામે વીજળી પડવાની ઘટના સામે આવી છે. ગામમાં આવેલા નાળિયેરીના વૃક્ષ પર વીજળી પડી હતી. જેના કારણે વૃક્ષ ભડ ભડ સળગવા લાગ્યું હતું. ત્યારે ગ્રામજનોમાં પણ ફફડાટ વ્યાપ્યો હતો. જો કોઈ મકાન પર આ વીજળી પડી હોત તો મોટી હોનારત સર્જાઈ હોત. ત્યારે હજુ પણ વરસાદ થવાની શકયતા છે.