
માલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો; ખેતીપાકને પણ જીવતદાન મળ્યું
અરવલ્લી જિલ્લામાં વરસાદે જતા જતા જમાવટ કરી છે. ગઈકાલે દિવસ દરમિયાન બાયડ પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યા બાદ રાત્રિ દરમિયાન માલપુર પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.
માલપુર તાલુકાના અણિયોર પંથકમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે સતત એક કલાક સુધી વરસાદ વરસતા અણિયોર, અણિયોર કંપા, કોઠીયા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અણિયોર-ધનસુરા રોડ પર જાણે નદીઓ વહી હોય એવા દૃશ્યો જોવા મળ્યા હતા. આ વિસ્તારમાં કેટલાય સમયથી વરસાદ નહોતો ત્યારે રાત્રિ દરમિયાન વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને સુકાતા કપાસ, મગફળી સહિત સોયાબીનના પાકને જીવતદાન મળ્યું છે. ત્યારે ખેડૂતોમાં પણ ખુશી છવાઈ છે.