
ગુજરાત વાલ્મિકી સંગઠન દ્વારા સફાઈ કામદારોની પડતર માંગણીઓને લઈ રજૂઆત
અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વાલ્મિકી સંગઠન નાલાલજી ભગત દ્વારા અગ્નિસ્પર્શ કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી સરકારી કચેરીઓમાં કામ કરતા સફાઈ કામદારોને આઉટસોર્સ એજન્સીઓ દ્વારા પગાર ચૂકવવામાં આવે છે. ત્યારે આ પ્રથા નાબૂદ કરી કાયમી કરવા અને પગાર વધારો કરવાની બહુ લાંબા સમયથી માગ છે. આ માંગણીઓને લઈ ગુજરાત વાલ્મિકી સંગઠનના અધ્યક્ષ લાલજી ભગત દ્વારા માલપુરથી ગાંધીનગર સુધી દંડવંત યાત્રા સહિત અનેક કાર્યક્રમો દ્વારા સરકારમાં રજૂઆત કરી છે.
કેટલાય આવેદનપત્ર આખા ગુજરાતમાં અપાયા છે પણ તંત્ર દ્વારા ઠાલા વચનો અપાય છે. ત્યારે આજે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે જિલ્લા કલેક્ટર કચેરીએ લાલજી ભગત અને સફાઇ કામદારો દ્વારા રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચીને બે હાથમાં કાકડા બનાવી કેરોસીનથી અગ્નિ પ્રગટાવી શરીરે કાકડા વડે અગ્નિ સ્પર્શ કર્યો હતો. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું સાથે જો હવે સફાઈકમદારોની માગ ના સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.