
ધનસુરાના ધામણિયા કંપા જવાના રસ્તે તંત્રની નબળી કામગીરીની પોલ ખુલી
તંત્ર દ્વારા ગામડામાં પાકા રસ્તાની સુવિધા કરવામાં આવે છે, પરંતુ આ કામગીરી કેટલી ગુણવત્તા વાળી છે એની ખબર ચોમાસાના વરસાદમાં પડે છે. ત્યારે ધનસુરાના ધામણિયા કંપા ગામે ગામમાં જવાના રસ્તે આવતું ગરનાળું બેસી જતા ગ્રામજનોને હાલાકી ભોગવવી પડી રહી છે.અરવલ્લી જિલ્લામાં ત્રીજા રાઉન્ડનો વરસાદ આવ્યો એમાં બાયડ અને ધનસુરા તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં ભારે તારાજી જોવા મળી છે. ધનસુરાના ધામણિયા કંપા જવાના રસ્તે માર્ગ અને મકાન વિભાગનું ગરનાળું આવેલું છે. આ વરસાદનું પાણી આવવાથી ગરનાળું 70 ટકા જેટલું ધોવાઈ ગયું છે. રસ્તો તૂટીને 10 ફૂટ ઊંડો ખાડો પડ્યો છે. રસ્તા નીચે નાખેલ ગરનાળાના ભૂંગળા પણ બહાર દેખાઈ ગયા છે.
જેથી ગ્રામજનોનો રસ્તો બંધ થયો છે. ખેડૂતોને ખેતીકામ માટે જવાનો રસ્તો ધોવાયો છે. દૂધ ડેરીમાં અને વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પણ આજ રસ્તે જવાનું હોય છે. બીમારી વખતે કોઈ સાધન પણ જઈ શકતું નથી. ત્યારે તંત્રની હલકી ગુણવત્તાવાળું મટીરીયલને કારણે ગરનાળું એક વરસાદમાં તૂટી જવા પામ્યું છે. તો ઝડપથી આ ગરનાળું રીપેર કરીને રસ્તો પૂર્વવત કરાય એવી ગ્રમજનોની માગ છે.