
મોડાસા શહેરમાં ઇદ મિલાદના તહેવારને લઈ શહેરના વિસ્તારોમાં મસ્જિદો રંગબેરંગી રોશનીથી ઝળહળી
કોઈપણ ધર્મ હોય જ્યારે જ્યારે પોતાનાં ધર્મને લાગતો તહેવાર આવે ત્યારે ભારે હર્ષ અને ઉલ્લાસપૂર્વક ઉજવણી કરાય છે. ત્યારે મુસ્લિમ ધર્મના તહેવાર ઇદ એ મિલાદને લઈ મોડાસાના મુસ્લિમ વિસ્તારને રોશનીથી શણગારાયું છે.ઇદ એ મિલાદ એટલે ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મહમ્મદ પયગંબર સાહેબનો જન્મ દિવસ. આ તહેવારને મુસ્લિમ પરિવારો ભારે ધામધૂમથી ઉજવતા હોય છે ત્યારે તેના ભાગરૂપે મોડાસાના મુસ્લિમ વિસ્તારો અવનવી રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યા છે.
મોડાસાના મુસ્લિમ વિસ્તારમાં આવેલી તમામ મસ્જિદો સહિત કસબા વિસ્તાર, ઘાંચીવાડ, સૈયદ વાડ અને વ્હોરવાડના તમામ મકાનો પર ભવ્ય રોશની કરવામાં આવી છે. આ તહેવાર ઉજવવા માટે મુસ્લિમ બિરાદરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.