મોડાસાના સામાજિક કાર્યકરે ચિલ્ડ્રનહોમને જાણ કરતાં સંચાલકે ચારેય બાળકીઓને ચિલ્ડ્રન્હોમ ખાતે લઈ જવાઈ
મોડાસા શહેરના માલપુર રોડ પર ગત મોડી રાત્રે ચાર બાળકીઓ બિનવારસી હાલતમાં મળી આવી હતી. જે બાબતે મોડાસાના સામાજિક કાર્યકર નિલેશ જોશીને જાણ થતાં તેઓએ મોડાસા ખાતે કાર્યરત ચિલ્ડ્રન કેરના સંચાલકને જાણ કરતાં સંચાલક સમીમબેન બાકરોલીયા માલપુર રોડ પર દોડી આવ્યા હતા. મોડાસા નગરપાલિકાના મેયર પણ સ્થળ પર દોડી આવ્યા હતા. જેમાં 181 અભયમની ટીમની પણ મદદ લેવામાં આવી હતી. ચિલ્ડ્રન કેર દ્વારા ચારે બાળકીઓનો કબજો મેળવીને ચિલ્ડ્રન હોમમાં લઇ જવાઇ હતી. આ અંગે ચિલ્ડ્રન કેરના સંચાલકે જણાવ્યું હતું કે, આ ચારે બાળકીઓને કપડાં રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવશે અને તેના વલી વારસોની પણ તપાસ કરવામાં આવશે અને જો વાલી મળી જાય તો તેમને સોંપવામાં આવશે તેમ જણાવ્યું હતું.
અનાથ બનેલા ચારેય બાળકીઓની પૂછપરછ હાથ ધરતા તેઓએ જણાવ્યું હતું કે, માતાનું અવસાન થયું છે અને પિતા દારૂડિયો છે. જેથી માલપુર ખાતે તેમની ફોઈના ઘરે આશરો લેતા હતા પણ હવે ફોઈએ પણ મારીને કાઢી મુક્યા છે. આમ આ ચારે બાળકીઓ અનાથ બની અને કોઈ વાહનમાં મોડાસા પહોંચી હતી અને એક સામાજિક કાર્યકરે જોતાં તમામ બાળકીઓ સલામત રીતે ચિલ્ડ્રન કેરમાં પહોંચાડ્યા હતા. ત્યારે જેને ભગવાન સંતાનો આપે છે એ સંતાનોને સાચવી શકતા નથી અને વ્યસનના કારણે નિર્દોષ બાળકો અનાથ બનતા હોય છે. જો કે ચિલ્ડ્રન કેર જેવી સંસ્થાઓ આવા સમયે આશીર્વાદ રૂપ સાબિત થતી હોય છે અને નિર્દોષ અનાથ બાળકો બચી જતા હોય છે.