
શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2021-22 માં 5.25 કરોડનો દારૂ ઝડપાયો
અરવલ્લી SP સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ શામળાજી પોલીસ રતનપુર ચેકપોસ્ટ સહીત અન્ય માર્ગો પર સઘન પેટ્રોલિંગ અને નાકાબંધી કરી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી રહી છે. શામળાજી પોલીસે છેલ્લા બે વર્ષમાં ઝડપેલ અંદાજે 5.50 કરોડના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવા સબ ડીલિવિઝનલ મેજીસ્ટ્રેટ,નાયબ જીલ્લા પોલીસ અધિકારીની ઉપસ્થિતિમાં પ્રથમ દિવસે 2.50 કરોડના દારૂ પર બુલડોઝર ફેરવી દેવાતાં પકડાયેલ દારૂ સાચવવાની ઝંઝટમાંથી રાહત મળી હતી. ચેક પોસ્ટ નજીકના ખુલ્લા મેદાનમાં પાથરવામાં આવેલા 1 લાખથી વધુ બોટલો પર જ્યારે બુલડોઝર ફેરવાયું ત્યારે દારૂની ઉડેલી છોળોથી જાણે વિદેશી દારૂની નદી વહેતી થઈ હોય તેવા દ્દશ્યો જોવા મળ્યા હતા.
શામળાજી પોલીસે વર્ષ-2021 થી 2022 સુધી ઝડપાયેલ વિદેશી દારૂનો નાશ કરવા જિલ્લા પોલીસતંત્રએ મંજૂરી માંગતા પોલીસ સ્ટેશનમાં ઉભરાઈ રહેલા આ દારૂના જથ્થાને નાશ કરવાની લીલીઝંડી મળતાં જ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓમાં હાશકારો ફેલાયો હતો. સોમવારના રોજ રતનપુર ચેક પોસ્ટ નજીક આવેલા સેલટેક્ષની ચેકપોસ્ટ સામેના ખુલ્લા મેદાનમાં વહીવટી તંત્ર અને પોલીસતંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં દારૂના અધધ જથ્થા ઉપર બુલડોઝર ફેરવી દેવાતાં વિદેશી દારૂની બોટલનો કચ્ચરઘાણ નીકળતા દારૂની નદી વહેતી થઈ હોય તેવા દ્દશ્યો સર્જાયા હતા.
ગુજરાતમાં દારૂ બાંધી હોવા છતાં સૌથી વધુ દારૂ પીવાય છે. અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ રાજ્યમાં ઠાલવવામાં આવી રહ્યો હોવાની સાથે જિલ્લામાં પણ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર દારૂનો વેપલો થાય છે. છેલ્લા 2 વર્ષમાં શામળાજી પોલીસે રેડ તેમજ અન્ય કામના ગુનામાં ઝડપેલો આ અધધ જથ્થો રાજ્યની સુવાળી દારૂબંધીની ચાડી ખાય છે. આ સાથે જ સત્તાધીશોને પણ સવાલ કરે છે કે દારૂબંધી છે તો આ દારૂ આસમાનમાંથી ગુજરાતમાં આવી ગયો હશે? ખેર આ મામલે પોલીસ ઘણી જાગૃત છે નહીંતર આટલો મોટો જથ્થો ઝડપાવો પણ શક્ય નથી.