મોડાસાના કુડોલ ગામે ગટર લાઇન બનાવ્યા પછી વર્ષે એકપણ વાર સફાઈ કરાતી નથી
મોડાસાના કુડોલ ગામે લગભગ 2000 જેટલી વસ્તી રહે છે. ગામનો વહીવટ ગ્રામપંચાયત દ્વારા કરવામાં આવે છે. રહીશો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. ગામમાં ગંદા પાણીના નિકાલ માટે ગટરલાઈન બનાવેલી છે, પરંતુ તેની નિયમિત સફાઈ માટે ગ્રામ પંચાયતની બેદરકારી સામે આવી છે. જેમાં કૂડોલ ગામના પ્રજાપતિ ફળિયામાંથી પસાર થતી પાણીની ગટર લાઇનમાં છેલ્લા પાંચ વર્ષથી વારંવાર સત્તા પર સરપંચ હોવા છતાં ગટરની સાફસૂફી ન થતાં છેલ્લે ગામના ગ્રામજનો દ્વારા ગટર સફાઈની કામગીરી હાથ ધરીને ગ્રામ પંચાયતની કામગીરી પર સવાલ ઉઠ્યા છે.
ગ્રામજનોએ જણાવ્યું કે, વર્ષમાં એકવાર લેખિતમાં અને મૌખિક રીતે ગટરની સાફસફાઈની કામગીરી અંગે જણાવીએ છીએ, તો પણ ગામના તલાટી, સરપંચ કે વોર્ડના સભ્ય આ વાતને કોઈ ધ્યાન પર ન લેતા માત્રને માત્ર પંચાયતની ગ્રાન્ટ લેવા ખોટા ખોટા બિલો બનાવીને ગટર પરની ઘાસ કાપીને બિલો પાસ કરાયા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. સાથે ગટર ખુલ્લી હોવાથી નાના બાળકો પણ પડી જવાના બનાવો પણ બન્યા હોવાની સાથે ગટરનું દુર્ગંધ પાણીથી મચ્છર અને રોગચાળો ફાટી નીકળે તેવી શક્યતા રહેલી છે.
ત્યારે હાલ તો કુડોલ ગામના પ્રજાપતિ ફળિયાના લોકો પોતે ગટરની સાફસૂફ કરવાની કામગીરીમાં જોડાયા છે. લોકોને વરસાદ પડતાં હાલાકી વેઠવી પડે છે. ગટરમાં પાણી જવાનો માર્ગ બંધ થઈ જતાં ગટરનું ગંદુ પાણી ગ્રામજનોના આંગણમાં અને વરસાદી પાણી ભરાઈ જતાં ત્રસ્ત બનતા ગ્રામજનોએ ગ્રામ પંચાયતની આશા છોડીને ગામની પાણીની ગટરને સફાઈ કરીને આવા ગામમાં તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી કે વહીવટી તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યા છે.