
મોડાસા અને ધનસુરા તાલુકાના ખેડૂતોમાં આનંદો : 60 ગામોની 7500 હેક્ટર જમીન પિયત થશે
હાલ ખેડૂતોએ દિવેલા અને બાગાયતી વાવેતર કરેલું છે. શિયાળુ ઘઉં અને મકાઈના પણ વાવેતરની શરૂઆત કરી છે. ત્યારે આ બધા પાકો માટે પાણી એ મુખ્ય સ્ત્રોત છે. ત્યારે શામળાજી પાસે આવેલ મેશ્વો ડેમમાંથી ખેડૂતો માટે 100 ક્યુસેક પાણી છોડાયું છે.શામળાજી પાસે આવેલ મેશ્વો ડેમમાંથી ખેડૂતોની માગ મુજબ આજે સિંચાઈ વિભાગ દ્વારા કેનાલમાં 100 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે ભિલોડા, મોડાસા અને ધનસુરા તાલુકાના ખેડૂતોને ફાયદો થશે. ભિલોડા તાલુકાના મેશ્વો નદી કિનારે આવેલ ગામોને સિંચાઈનો લાભ મળશે. જ્યારે કેનલોમાં પણ પાણી છોડાતા ધનસુરા અને મોડાસા તાલુકાના કેનાલ નજીકના 60 ગામોને ફાયદો થશે.
આ ત્રણેય ગામની કુલ 7500 હેક્ટર જમીન પિયત થશે. ચાલુ સિઝનમાં જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઓછું છે અને ઉપરવાસમાં પણ વરસાદ નથી. જેથી જિલ્લાના ડેમ 60 ટકા સુધી જ ભરાયા છે. જેથી આગામી સમયમાં સિંચાઈ માટે પાણીની સમસ્યા પેદા થવાની સંભાવના રહેલી છે.