
મેઘરજના ઇસરી-જીતપુર ગામે દીકરીના ચરણ પખાડી પૂજન આરતી કરી
દિવાળીના તહેવારમાં અલગ અલગ દિવસના તહેવારોનું મહત્વ છે. ત્યારે ધનતેરસના દિવસે લોકો ધન પૂજા કરતા હોય છે. ત્યારે મેઘરજના અંતરિયાળ ઇસરી પાસે આવેલા જીતપુર ગામે ધનતેરસ પર્વની અનોખી ઉજવણી કરાઈ હતી.
આ વર્ષે ધનતેરસની પૂજા માટેનો ઉત્તમ સમય રાત્રિના 8:30થી 10:45 હતો. આ ઉત્તમ મુહૂર્તમાં મેઘરજના ઇસરી પાસે આવેલા જીતપુર ગામે એક પિતાએ અનોખી રીતે ધનતેરસની ઉજવણી કરી હતી. હિતેન્દ્ર પટેલે પોતાની દીકરી ચારૂ પટેલને બેસાડી દીવો, અગરબત્તી કરી મહાલક્ષ્મીની સાથે સાથે તેનું પણ પૂજન અર્ચન કર્યું. સૌ પ્રથમ દીકરીને પાંચ ઉપચાર સહિતના દ્રવ્ય વડે ચરણ પખાડ્યા હતા. ત્યાર બાદ વૈદિક મંત્ર સહિત આરતી ઉતારી હતી અને દીકરી એજ સાચી લક્ષ્મી છે એવા ભાવ સાથે અન્યને પણ પ્રેરણા આપે એવી અનોખી રીતે ધનતેરસ પર્વની ઉજવણી કરાઈ હતી.