
બાયડના દક્ષિણ વિસ્તારના ગામડાઓમાં ભારે વરસાદથી જમીનમાં સાત-સાત ફૂટ ખાડા પડ્યા
ચોમાસાના શરૂઆતમાં વરસાદ સારો થયો એટલે ખેડૂતોએ બમ્પર વાવેતર કર્યું પછી વરસાદ ખેંચાયો હતો. જેથી પાક સુકાવા લાગ્યો જેથી ખેડુતોએ પાક બચાવવા માટે ઇરીગેશન કરી પાણી આપ્યું અને એક મહિના બાદ ભારે વરસાદ આવ્યો ત્યારે તબાહીનો વરસાદ સાબિત થયો. જેથી બાયડ તાલુકાના ખેડૂતોની જમીનોનું ધોવાણ થયું જેથી પાક નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો.અરવલ્લી જિલ્લામાં ત્રીજા રાઉન્ડમાં જે વરસાદ ખાબક્યો તેમાં સૌથી વધારે બાયડ તાલુકો પ્રભાવિત થયો છે. બાયડ તાલુકાના ડેમાઈ, અરજણ વાવ, માધવકંપા, વારેણા, શણગાલ, બોરમઠ તરફના તમામ ગામડાઓમાં પાક ધોવાણ થયું છે. ખેડૂતોએ મગફળી, કપાસ, દિવેલા અને સોયાબીનનું વાવેતર કર્યું હતું. શરૂઆતમાં વરસાદ સારો થયો ત્યારબાદ લાંબા સમય સુધી વરસાદ ના થયો જેના કારણે પાક સુકાવા લાગ્યો હતો.
ખેડૂતો જેમ તેમ કરી પાક બચાવવા માટે પાણી મુક્તા હતા. ત્યારે એક માસના વિરામ બાદ વરસાદ ફરી આવ્યો તો તે આફતનો વરસાદ સાબિત થયો હતો. ખેતરોમાં સાતથી આઠ ફૂટ જેટલા ખાડા પડી ગયા, ખેતરોની જગ્યાએ કોતરો બની ગઈ છે. પાક તો ગયો એ ગયો પણ જમીન પણ ગઈ. જેને લઈ ખેડૂતોની ખુબ જ દયનિય હાલત થઈ છે. ખેડૂતોની વેદના સાંભળી હતી, ત્યારે ખેડૂતોએ તંત્ર પાસે પાક નુકશાનીનું વળતર મેળવવા માંગ કરી છે.