મોડાસાના આસપાસના ગામોમાં હજારોની સંખ્યામાં ચૂડવેલના ઢગ ખડકાયા
અરવલ્લી જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેના કારણે જમીનમાં વરસાદી ભેજના કારણે જીવાતો જમીનમાંથી બહાર આવવા લાગી છે. આ જીવાતો ભારે થોક બંધ જોવા મળતા માનવ વસ્તી માટે મુશ્કેલી સર્જાઈ છે.મોડાસાના સાકરીયા અને આસપાસના ગામોમાં વરસાદ બાદ ઉગાડ નીકળ્યા બાદ બે ઇંચ લાંબી ચૂડવેલ નામની જીવાતો હજારોની સંખ્યામાં જોવા મળી હતી. ગામના રહીશોના મકાનોની દીવાલો પર, છત પર, ભોંય તળિયે, અંદર-બહાર તમામ જગ્યાએ જ્યાં જુઓ ત્યાં ચૂડવેલના થોર જોવા મળ્યા છે. જમવાનું બનાવવું હોય તો રસોઇમાં પણ ચૂડવેલ ટપકી પડે છે. સૂતી વખતે ખાટલા અને પથારીમાં પણ ચૂંડવેલો પડે છે જેથી લોકો ત્રાસી ગયા છે. રહીશો જાય તો જાય ક્યાં જેવી સ્થિતિ બનવા પામી છે. ત્યારે આરોગ્ય વિભાગ આવા ચૂડવેલના ઉપદ્રવને નાથવા સતર્ક બને એ જરૂરી છે. આરોગ્ય વિભાગ દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવે એવી સ્થાનિકોની માગ છે.