
ઊર્જા કાંડમાં સુરત LCB મોડાસાથી ઈશ્વર પ્રજાપતિને ફરી ઉઠાવી ગઇ
ઊર્જા ભરતી કાંડ મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચે મોડાસામાં રહેતા નિવૃત્ત બાંધકામ અધિકારી ઇશ્વર બી. પ્રજાપતિની અટકાયત કરતા જિલ્લામાં ઊર્જા ભરતી કાંડનો મામલો ફરી ચર્ચાસ્પદ બન્યો હતો. ગત સપ્તાહે સુરત પોલીસે મોડાસામાં રહેતા નિવૃત્ત અધિકારીની પૂછપરછ કર્યા બાદ છોડી મૂકાયા હતા. જોકે સુરત ક્રાઈમ દ્વારા પુનઃ આઈ બી પ્રજાપતિની અટકાયત કરવામાં આવતા ઊર્જા ભરતી કાંડમાં સંડોવાયેલા અનેક લોકોની નીંદ હરામ બની છે.
ધનસુરા તાલુકાના અને મોડાસામાં રહેતા નિવૃત્ત બાંધકામ અધિકારી આઈ. બી.પ્રજાપતિની ઊર્જા ભરતી કાંડ મામલે સુરત પોલીસે ફરી અટકાયત કરીને સુરત લઈ જતાં ભરતી કાંડનો મામલો ગરમાયો હતો. મોડાસામાંથી એક સપ્તાહ અગાઉ ઈશ્વર પ્રજાપતિ અને અરવિંદ પટેલ તેમજ તેના પુત્રને પૂછપરછ માટે સુરત લઈ જવાયા હતા. જ્યાં પૂછપરછ બાદ તેમને છોડી મૂકાયા હતા. જોકે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નિવૃત્ત અધિકારી ઈશ્વર પ્રજાપતિની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરાઇ હતી.