
મોડાસામાં દેવભૂમિ ફ્લેટમાં ભર બપોરે તાળું તોડી રૂ. 1.35 લાખ મત્તાની તસ્કરી
મોડાસા શહેરના દીપ વિસ્તારમાં આવેલા દેવભૂમિ ફ્લેટમાં રહેતા માતા-પુત્રી બપોરના સમયે ફ્લેટનો દરવાજો બંધ કરી હોસ્પિટલમાં તબીબને બતાવવા ગયા હતા. દરમિયાન ધોળે દહાડે તસ્કરો ફ્લેટના દરવાજાનું તાળું તોડીને અંદર રહેલી તિજોરીમાંથી સોના-ચાંદીના ઘરેણા અને રોકડ સહિત કુલ રૂપિયા 1,35,320ની મત્તાની ચોરી કરીને પલાયન થઈ જતાં ચકચાર મચી ગઈ હતી મોડાસા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી તસ્કરોએ તરખાટ મચાવી મૂક્યો છે.
શહેરી અને બાજુમાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીના ઉપરા છાપરી બનાવો નોંધાતા પોલીસ દોડતી થઈ છે. મોડાસા શહેરના વિસ્તારમાં રહેતા કલ્પનાબેન રમણલાલ ભાટીયા અને તેમની પુત્રી પ્રિયંકા બંને બપોરે 1:30 કલાકના સમય ફ્લેટના દરવાજાને તાળું મારીને હોસ્પિટલમાં તબિયતને બતાવવા ગયા હતા.
દરમિયાન મોકાનો ફાયદો ઉઠાવીને અજાણે તસ્કરો દેવભૂમિ ફ્લેટના મકાન નંબર 205ના દરવાજાનું તાળું તોડીને અંદર ગેરકાયદે પ્રવેશ કરી તિજોરી અને કબાટ તોડીને તેમાં રહેલી જીવન જરૂરથી ચીજ વસ્તુઓ રફેદફે કરી તિજોરીમાં મુકેલા રૂપિયા 1,30,320 ની કિંમતના સોના ચાંદીના ઘરેણાં અને ઘર વપરાશ માટે રાખેલા રોકડ રૂપિયા 5000 સહિત કુલ રૂપિયા 1,35,320ની મતાની ચોરીને અંજામ આપીને તસ્કરો પલાયન થઈ ગયા હતા.