
માલપુર નાગરિક સહકારી બેન્કમાંથી સભાસદ લોન લે છે તો બેન્ક પોતે લેશે પ્રીમિયમ
માલપુર તાલુકાની કામધેનુ કહેવાતી નાણાકીય સંસ્થા માલપુર નાગરિક સહકારી બેંકે સભાસદોના હિતમાં સરાહનીય નિર્ણય કર્યો છે. કોઈપણ સભાસદ બેન્કમાંથી ધિરાણ લે છે, ત્યારે 60 વર્ષથી નીચેની ઉંમરના સભાસદોની લોન માટે બેન્કે પોતે પ્રીમિયમ ભરીને વીમો લેવામાં આવશે. 60 વર્ષથી નીચેની ઉંમરના કોઈપણ સભાસદનું આકસ્મિક કે કુદરતી મૃત્યુ થાય તો એ લોન ધારક સભાસદનું બેન્કે ભરેલા પ્રીમિયમમાંથી જે વીમાની રકમ આવે એમાંથી બેન્કે આપેલું ધિરાણ ચૂકતા કરવામાં આવે છે.
જેથી મૃતક સભાસદના પરિવારજનોના માથે બેન્કની લોન ભરપાઈ કરવાની જવાબદારી ના રહે અને જો આવેલા વીમાની રકમમાંથી નાણાં બચે તો તેમના પરિવારજનો ને પરત આપવામાં આવે છે. આમ શેર હોલ્ડરને બેવડો ફાયદો આપીને સાચા અર્થમાં સભાસદોની રાહબર બની છે.
તાજેતરમાં જ બે સભાસદોના મૃત્યુ થતા તેઓને માલપુર નાગરિક બેન્કની સભાસદોની આ યોજનાનો લાભ મળ્યો છે. આ યોજના અમલી બનાવી સભાસદોના વહીવટદારો ચેરમેન મિતુલ મહેતા, એમડી યોગેશ પંડ્યા, જસુ પટેલ, રોહિત પંડ્યા, નિશ્ચલ પટેલ, કનકસિંહ રાઠોડ, જીજ્ઞેશ ભટ્ટ, નટુ પંચાલ સહિતના ડિરેક્ટરોને તમામ શેર હોલ્ડરોએ અભિનંદન પાઠવ્યા હતા.