
મોડાસામાં હંગામી બસ સ્ટેશન વિસ્તારમાં લગાવેલો મહાકાય હોર્ડિંગ્સ ધરાશાયી
હવામાન વિભાગની આગાહી મુજબ ગઈરાત્રે અરવલ્લી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ભારે વાવાઝોડાના કારણે મોડાસા શહેરના અનેક વિસ્તારમાં વૃક્ષો પડી ગયા હતા. ત્યારે ખાસ મોડાસાના હંગામી બસ સ્ટેશન વિસ્તારમાં એક કોમ્પ્લેક્ષ ઉપર લગાવેલા મોટા મહાકાય હોર્ડિંગ્સ ધરાશાયી થયા હતા. ખૂબ મોટું અને વજનદાર હોર્ડિંગ્સ લગાવવાની પરમિશન કોણે આપી?
આ હોર્ડિંગ્સ પડ્યું એ સમયે રાતનો સમય હતો. જેથી વાહનોની અવરજવર પણ બંધ હતી અને જો દિવસે વાવાઝોડું આવ્યું હોત, તો મોટી જાનહાની થાત. ત્યારે હજુ પણ મોડાસા શહેરમાં અનેક જગ્યાએ મોટા મોટા જોખમી હોર્ડિંગ્સ લગાવેલા છે. કે જેની પાલિકામાં નોંધ છે કે નહીં, એ પણ એક પ્રશ્ન છે. ત્યારે પાલિકા તંત્ર આવા જોખમી હોર્ડિંગ્સ શોધી ઉતારી લેવા ઘટતું કરે એ જરૂરી છે.
હાલ આ મહાકાય હોર્ડિંગ્સ હટાવવાની કામગીરી ચાલુ છે. મોડાસા શામળાજી જતો એક તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ત્યારે આવા જોખમી મકાનો, હોર્ડિંગ્સ તાત્કાલિક હટાવી લેવામાં આવે એ જરૂરી છે.