
મેઘરજના અંતરિયાળ ઇસરી, રેલ્લાવાડા, તરકવાળા, જીતપુરમાં ધોધમાર વરસાદ
ચોમાસાની શરૂઆતમાં વરસાદ આવ્યા બાદ છેલ્લા એક માસ જેટલા સમયથી વરસાદે જાણે હાથતાળી આપી છે. જેના કારણે ખેતીપાક સુકાવા લાગ્યો હતો. ત્યારે આજે મેઘરજના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થતાં ખેડૂતોમાં આનંદો ફેલાયો.
અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક માસથી વરસાદે હાથતાળી આપી છે. ત્યારે વરસાદ ના આવવાના કારણે ખેતીવાડી સુકી પડવા લાગી હતી. ખેડૂતોએ ખૂબ મહેનત કરીને વાવેતર કર્યું હતું. પાક પણ સરસ લહેરાતો થયો હતો પણ વરસાદ ના આવવાના કારણે પાક સુકાવા લાગ્યો હતો. ખેડૂતો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા હતા. એવામાં આજે બપોર બાદ એકાએક મેઘરજ તાલુકાના અંતરિયાળ એવા ઇસરી, રેલ્લાવાડા, તરકવાળા, જીતપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. મુરજાતી મોલાતને જીવતદાન મળ્યું છે. આકાશમાંથી જાણે કાચું સોનુ વરસયું હોય એમ ખેડૂતોમાં ખુશી વ્યાપી છે.