મોડાસામાં એસ.ટી પોર્ટ પાસે આવેલા પટેલ જ્વેલર્સના શોરૂમના ભોંયરામાં આગ
મોડાસા શહેરના હાર્દસમા ગણાતા એસ.ટી પોર્ટ પાસે આવેલા પટેલ જ્વેલર્સના શોરૂમના તળિયામાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. જોકે પાલિકાની ફાયર ફાઈટરની ટીમે ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. લગ્નસરાની મોસમમાં શોરૂમના ભોંયતળિયાના ભાગે અચાનક આગ લાગતાં ગ્રાહકો પણ ડઘાઇ ગયા હતા શોરૂમની બીયુ પરમિશન અંગે પણ લોકોમાં અનેક સવાલો ઉઠ્યા હતા. પટેલ જ્વેલર્સના ભોંયતળિયે લાગેલી આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે ધુમાડાના ગોટેગોટા નીકળતા આજુબાજુના દુકાનદારો અને રહીશોમાં ભયનો માહોલ છવાયો હતો.
શહેરના હાર્દ સમા વિસ્તારમાં આવેલા આ શો રૂમ માં રોજિંદા મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે તેમાંય અત્યારે વૈશાખ મહિનાની લગ્નસરાની મોસમ હોવાથી મોડાસા શહેરમાં ખરીદી માટે આજુબાજુથી ગામડાઓમાંથી આવેલા અને શહેરના લોકોથી બજાર અને દુકાનો લોકોથી ભરચક હતી તે દરમિયાન આગ લાગવાની ઘટના બનતા મોડાસા ફાયર ફાઈટરને જાણ કરતાં ફાયર ફાઈટરની ટીમે ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવતા લોકોએ રાહતનો દમ લીધો હતો. શહેરના હાર્દસમા વિસ્તારમાં આગના બનાવને પગલે જાગૃત નાગરિકો અને રહીશોમાં બીયુ પરમિશન મુદ્દે અને ફાયરસેફ્ટી મુદ્દે આક્રોશ ફાટી નીકળ્યો હતો.