
અરવલ્લીમાં વરસાદના કારણે પાક પલડી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા
આ વર્ષે ચોમાસાની સિઝન જાણે ઓછા વરસાદે લંબાઈ હોય એવું લાગી રહ્યું છે. ત્યારે નવલી નવરાત્રીના પ્રથમ દિવસે જ અરવલ્લીમાં વરસાદ ખાબકતા ખેતરોમાં પાક પલડી જતા ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે.
અરવલ્લી જિલ્લાના માલપુર અને મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે. જેના કારણે ખેતીવાળીને નુકશાન થયું છે. હાલ ખેડૂતોને ખેતરોમાં મગફળી અને સોયાબીનનો પાક તૈયાર પડ્યો છે. ફક્ત પાક લેવાની તૈયારી હતી અને એકાએક વરસાદ થયો જેના કારણે મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. મગફળી અને સોયાબીનનો પાક સંપૂર્ણ પણે પલડી ગયો એક તરફ વાઢીને ઢગલા કર્યા હતા. મગફળી સોયાબીન બહાર આવી ગયા હતા. એવામાં આકાશી આફત આવતા ખેડૂતને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે. આમ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યાં છે.