
અરવલ્લીમાં પાકા રસ્તાના અભાવે વિદ્યાર્થીઓને મજબૂરીવશ કાદવ વાળા રસ્તે અભ્યાસ માટે જવા મજબુર
અરવલ્લી જિલ્લાના અંતરિયાળ એવા મેઘરજ તાલુકાના અજુના બાઠીવાડા ગામે ભગત ફળિયા વિસ્તારમાં આઝાદી પછી ક્યારે પાકા રસ્તાની સુવિધા પ્રાપ્ત થઈ નથી. આ રસ્તો હાલ પણ કાદાવ કીચડથી ખદબદે છે અને પુષ્કળ પ્રમાણમાં ગંદકી જોવા મળે છે. ગામલોકોને આવા ગંદકી વાળા રસ્તા પર થઈને પસાર થવું પડે છે, સૌથી વધારે દયનિય પરિસ્થતી તો વિદ્યાર્થીઓની છે. આવતીકાલનું ઉજળું ભવિષ્ય એવા નાના વિદ્યાર્થીઓને પણ મજબૂરીવશ આવા કીચડ વાળો રસ્તો પસાર કરીને અભ્યાસ માટે જવું પડે છે.
આ રસ્તે પુષ્કળ પ્રમાણમાં ગંદકી અને મચ્છરોનું સામ્રાજ્ય જોવા મળે છે. સ્કૂલે જવા માટે અન્ય કોઈ રસ્તાનો વિકલ્પ ન હોવાથી આવા ખરાબ રસ્તો પસાર કરીને નાના ભૂલકાઓને જવું પડે છે. સ્થાનિકો અને વહાલીઓએ અનેક વખત તંત્રમાં રજુઆત કરી છે, પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. પરિણામે હાલ આવા પાણી જન્ય મચ્છરોના ઉપદ્રવમાં થઈને વિદ્યાર્થીઓને દયનિય હાલતમાં અભ્યાસ માટે જવું પડે છે. આ પરિસ્થિતીને જોઈને સવાલ થાય છે કે શું આ રીતે ભણશે ગુજરાત? આ બાબતે ગ્રામજનો અને વાલીઓની માંગ છે કે, સુવિધા સભર ભણતર માટે અજુના બાઠીવાડા ગામનો રસ્તો પાકો બને એવી માંગણી કરવામાં આવી છે.