
મોડાસાના સાકરીયા ગામે બિરાજમાન સ્વયંભૂ ભીડભંજન હનુમાનજી મંદિરના દર્શને ભક્તો ઉમટ્યા
દિવાળીના તહેવારોમાં અલગ અલગ દિવસોનું મહત્વ હોય છે ત્યારે આજે કાળી ચૌદશ છે. આજના દિવસે ભગવાન હનુમાનજીના પાઠ, દર્શન અને પૂજાનું અનેરૂ મહત્વ છે. ત્યારે અરવલ્લીના સુપ્રસિદ્ધ સાકરીયા હનુમાનજી મંદિરે ભક્તો ઉમટ્યા હતા.આજે કાળી ચૌદશ અને શનિવારનો અનોખો સંયોગ છે ત્યારે અરવલ્લીના મોડાસા પાસે આવેલા સાકરીયા ગામે આવેલા સ્વયંભૂ ભીડ ભંજન હનુમાનજી મંદિરે આજે વહેલી સવારથી ભક્તો સ્વયંભૂ હનુમાનજી ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યા છે.
દિવસ દરમિયાન ભક્તો દાદાના દર્શને આવે છે અને ભગવાન હનુમાનજીની ઝાંખી કરી ધન્ય બને છે. આજના દિવસે હનુમાન ચાલીસાનું પણ અનેરું મહત્વ છે. ભક્તો દ્વારા દિવસ દરમિયાન હનુમાન ચાલીસા અને રાત્રે હોમાત્મક સુંદરકાંડનો પાઠ કરવામાં આવે છે. ખાસ આજે ભગવાન ભીડ ભંજન હનુમાન દાદાને સૂકા મેવાનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે.સાકરીયા ગામે બિરાજમાન સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ આડા સ્વરૂપે બિરાજમાન અને ખૂબ ચમત્કારિક છે. આખા ભારત દેશમાં સુતેલા સ્વરૂપે હનુમાનજીની સ્વયંભૂ મૂર્તિ ફક્ત બે જ સ્થાનો પર છે. એક અલ્હાબાદમાં અને બીજી અરવલ્લીના મોડાસા પાસે આવેલા સાકરીયા ગામે દૂર દૂરથી અબાલ વૃદ્ધ સૌકોઈ મોટી સંખ્યામાં દર શનિવારે અને મંગળવારે દર્શન માટે આવે છે અને સુતેલા ભીડભંજન હનુમાનજીના દર્શન કરી ધન્ય બને છે.