
મોડાસાના ટીંટોઇ ગામે પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતાં રોગચાળાનો ભય
મોડાસાનું ટીંટોઇ ગામ 7 હજાર જેટલી વસ્તી ધરાવતું ગામ છે. ગામમાં ગ્રામપંચાયત દ્વારા વહીવટ ચાલે છે. ટીંટોઇ ગામમાં ગામનું ગંદુ પાણી વર્ષોથી ખુલ્લા રસ્તે જતું હતું. જેના કારણે ગામમાં ગંદકીનું સામ્રાજ્ય રહેતું હતું. ત્યારે સરકારની ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા લાખોના ખર્ચે ગામમાં ભૂગર્ભ ગટરલાઈન મંજુર થઈ છે અને તેનું કામ પણ શરૂ કરાયું છે.
ટીંટોઇ ગામે શરૂ કરાયેલા ભૂગર્ભ ગટરલાઈનના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લાલીયાવાડી રાખવામાં આવી છે. જે લાઈનો નાખી છે એ ખુલ્લી અને અર્ધ તૂટેલી હોય એવા દ્રશ્યો જોઈ શકાય છે. મહત્વ નું છે કે આ ગટરલાઈન હલકી અને લીક હોવાના કારણે ગટરનું ગંદુ દૂષિત પાણી બાજુમાં જ પસાર થતી પીવાના પાણીની લાઇનમાં ભળે છે. જેના કારણે રહીશોને દૂષિત પાણી પીવાનો વારો આવ્યો છે.
સરકાર દ્વારા ગ્રામજનોની સુખાકારી અને સ્વચ્છતાને લઈ લાખો રૂપિયા ભૂગર્ભ ગટરલાઈન માટે ખર્ચાતા હોય છે, પરંતુ કોન્ટ્રાક્ટર અને તંત્રની મિલીભગતના કારણે આ ગટરલાઈનનું કામ હલકી ગુણવત્તા વાળું થાય છે અને ગટરલાઈનનું પાણી પીવાની પાઇપલાઇનમાં ભળે છે. પરિણામે રહીશોને દૂષિત પાણી પી ને રોગચાળાનું ભોગ બનવું પડે એવી સ્થિતિ સર્જાઈ છે.
ત્યારે ગટરલાઇનના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે. આમ જનતાના આરોગ્ય સાથે ચેડાં કરનાર સામે યોગ્ય કાર્યવાહી કરી ગટરલાઇનનું કામ ગુણવત્તાસભર કરવામાં આવે એવી લોકોની માગ છે.