
અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદને લઈ પાકમાં નુકસાન, ખેડૂતોએ વળતરની માગ કરી
આજે હવામાન વિભાગની આગાહી મુજબ વહેલી સવારથી અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ શરૂ થયો છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી. જિલ્લાના તમામ તાલુકાઓમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ થયો છે. ત્યારે માલપુર અને મોડાસા તાલુકામાં વધુ પ્રમાણમાં વરસાદ થયો છે.
માલપુર પંથકમાં ખેડૂતોએ ખૂબ મહેનત કરીને મકાઈ, બાજરી, જુવાર, અને પશુઓ માટે ઘાસચારાનું વાવેતર કર્યું હતું. સારી એવી માવજત કરી પાક તૈયાર કર્યો હતો. ત્યાં એકાએક જાણે વરસાદ વિલન બન્યો હતો. તમામ પાક પલડી ગયો હતો અને ખેડૂતોને જે ઉપજ મળવાની આશા હતી. એ આશાના માથે પાણી ફરી વળ્યાં હતા ત્યારે ખેડૂતોએ પાક નુકસાનીનું વળતર મળે એવી માગ કરી છે.
મોડાસામાં આજે સવારે એકાએક કમોસમી વરસાદ આવતા આસપાસના વિસ્તારોમાં અફરા તફરી મચી હતી. ખેડૂતોને ખેતીમાં વરસાદ વિઘ્નરૂપ સાબિત થયો છે. એક તરફ લગ્ન સરાની સિઝન છે. ત્યારે મોડાસાના ટીંટોઇ ગામે ખાબકેલ વાવાઝોડા ધોધમાર વરસાદના કારણે એક લગ્ન સમારંભનો મંડપ ઉડ્યો હતો. એક તરફ વરરાજા ચોરીના ચાર ફેરા માટે ઘોડે ચડીને આવ્યા.
એવામાંજ વરસાદ જાણે વિલન બન્યો અને લગ્ન કાર્યક્રમમાં ભંગ પડ્યો. જો કે જેવું વાવાઝોડુ આવ્યું કે, તરત જાનૈયા સહિત અન્ય મહેમાનો પણ બહાર નીકળી જતા કોઈને પણ ઇજા કે નુકશાન થયું નહોતું. આમ કમોસમી વરસાદ તમામ રીતે વેરી બનીને આવ્યો હોય એવા દૃશ્યો જોવા મળ્યા હતા.