મેઘરજના નાની ભૂવાલ ગામે હથિયાર લાયસન્સની તપાસ અર્થે ગયેલા પોલીસ કર્મી પર હુમલો; ચાર સામે ફરિયાદ
મેઘરજ તાલુકાના નાની ભૂવાલ ગામે જિલ્લા એસઓજી પોલીસ હથિયાર પરવાનેદાર શાહબાજ ખાન પઠાણના ઘરે હથિયાર અને પરવાનાની તપાસ અર્થે ગયા હતા. તે સમયે શાહબાજ સહિત તેના ભાઈ, ભાભી અને પત્નીએ અહીં કેમ આવ્યા છો તેમ જણાવી લાકડી વડે પોલીસ કર્મચારી પર હુમલો કર્યો હતો. પત્નીએ ભાઈ, ભાભી સહિત મંડળી રચીને મા-બાપ સામે અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ પોલીસ કર્મી જયેશ પટેલે નાની ભૂવાલ ગામના ચાર આરોપીઓ સામે ફરિયાદ નોંધી ચાર પૈકી બે આરોપીઓની ધરપકડ કરી હતી. અન્ય બે મહિલા આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. તેઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.