
અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા બીમારીનું પ્રમાણ વધવાની શક્યતા
હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી સવારથી અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જિલ્લાના મોડાસા, માલપુર, મેઘરજ પંથકમાં કમોસમી વરસાદ ખાબક્યો. જેના કારણે વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી હતી. બે દિવસથી સતત ગરમીનું વાતાવરણ જોવા મળ્યું અને એકાએક કમોસમી વરસાદ થતા બીમારીનું પ્રમાણ વધવાની શકયતા છે.
ખેતીવાડીમાં ખાસ કરીને મકાઈ, બાજરી, અને ઘાસચારાના પાકમાં નુકસાન થવાની શક્યતા છે. એક તરફ ખેડૂતો ભારે મહેનત કરીને ખેતીમાં માંડ ખર્ચો કાઢવાની કોશિશ કરે છે. ત્યાં કમોસમી વરસાદ વિલન બને છે. ત્યારે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. મકાઈ, બાજરી અને ઘાસચારો તૈયાર થઈ ગયો ત્યાંજ વરસાદ થતાં સતત કમોસમી વરસાદનો માર સહન કરવાનો વારો આવ્યો છે.