
ભરૂચ જાસૂસીકાંડ બાદ અરવલ્લીના કોન્સ્ટેબલ દારૂની ખેપ મારતાં ઝડપાયા
ભરૂચ જિલ્લામાંથી જાસૂસીનો એક કેસ સામે આવ્યો છે. જેમાં એસએમસી રેડ પાડવા જાય તે પહેલાં જ બે કોન્સ્ટેબલ બુટલેગરને પોલીસનું લોકેશન મોકલી દેતા હતા. જેથી બુટલેગર જે-તે જગ્યાએથી છટકી જતા હતા. આ ઘટના સામે આવતા ગુજરાત પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. આ કેસ હજી ઠંડો પણ નથી પડ્યો ત્યારે અરવલ્લી જિલ્લામાંથી દારૂની ખેપ મારનારા બે કોન્સ્ટેબલ ઝડપાતા ખાખી વરદી વધુ મેલી થઈ છે. બંને કોન્સ્ટેબલોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, અરવલ્લી જિલ્લામાં ચાલુ વર્ષમાં એટલે કે છેલ્લા એક વર્ષમાં દારૂની ખેપ મારનારા 6 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ રાજસ્થાનથી અમદાવાદ અને ગાંધીનગરમાં દારૂની ખેપ મારનારા કોન્સ્ટેબલોના કેસ વિશે.
અરવલ્લી જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવનારા બે પોલીસ કોન્સ્ટેબલોની. ગઈકાલે તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રણાસણ ચોકડી પાસેથી સાબરકાંઠા LCBએ કારમાં લઈ જવાતો દારૂ ઝડપી પાંચ સામે ફરિયાદ દાખલ કરી હતી. તેમાં મુખ્ય બે આરોપીઓ રોહિતસિંહ જગતસિંહ ચૌહાણ અને બીજો વિજય છનાભાઈ પરમાર. આ બંને આરોપીઓ અરવલ્લી જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવે છે. આ બંનેના દારૂની હેરાફેરીમાં આરોપી તરીકે નામ આવતા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
પોલીસ કોન્સ્ટેબલો રાજસ્થાનથી દારૂ લાવી ખેતરમાં સંતાડી રાખતા હતા અને ખાનગી વાહનમાં અમદાવાદ, ગાંધીનગર સુધી પહોંચાડતા હતા. ગઈકાલે ધનસુરાના રાહીયોલ ગામે રહેતા કોન્સ્ટેબલ વિજય છનાભાઈ પરમાર તેના ખેતરમાં સંતાડેલો દારૂ કારમાં ભરીને ગાંધીનગર લઈ જતો હતો. તે દરમિયાન પોલીસને શંકા જતા જિલ્લા એલસીબીએ વાહન રોકી વાહનમાંથી 34 હજારનો દારૂ ઝડપી પાડ્યો છે. અરવલ્લી જિલ્લામાં ચાલુ વર્ષમાં પોલીસે દારૂની ખેપ લગાવનારા 6 કોન્સ્ટેબલો સામે કાર્યવાહી કરી સસ્પેન્ડ કરેલા છે.