ધનસુરાના બિલવણીયામાં ભારે વરસાદ બાદ ખેતરોમાં કમરસમા પાણી આજે પણ યથાવત
અરવલ્લીમાં બે દિવસ ખબકેલા ભારે વરસાદ બાદ ધનસુરા તાલુકામાં ખેતીમાં તબાહીના દૃશ્યો સામે આવ્યા છે. હજુ પણ ખેતરોમાં કમર સુધી પાણી જોવા મળ્યા હતા.અરવલ્લી જિલ્લામાં બે દિવસ ભારે વરસાદ થયો તેમાં બાયડ અને ધનસુરા તાલુકામાં બે દિવસનો આઠથી દસ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેના કારણે તળાવો નદી નાળા પણ છલકાયા છે. વરસાદને ચાર દિવસ જેટલો સમય થયો છતાં હજુ કેટલાક વિસ્તારોમાં પાણી ઓસર્યા નથી. ત્યારે ધનસુરા તાલુકાના બીલવણીયા ગામે ખેડૂતોએ કરેલો કપાસ, સોયાબીન અને એરંડાનો પાક પાણીમાં ગરકાવ થયો છે.
શરૂઆતના સારા વરસાદના કારણે આ વિસ્તારના ખેડૂતોએ મબલખ વાવેતર કર્યું હતું, પરંતુ પાછોતરો વરસાદ જાણે આફતનો વરસાદ બનીને આવ્યો છે. જેના કારણે બિલવણીયા ગામનું વાવેતર સંપૂર્ણ પાણીમાં ડૂબયું છે. ત્યારે ખેડૂતોની હાલત દયનિય બની છે. આ ખેતરોમાં પાણી ભરાઈ રહેવાનું કેટલાક ટેક્નિકલ કારણ પણ ખેડૂતો જણાવી રહ્યા છે. ત્યારે આ ખેતરોમાં ભરાઇ રહેલા પાણીનો નિકાલ થાય અને ખેડૂતોને પાક નુકસાનીનું વળતર આપે એવી ખેડૂતોએ માગ કરી છે.