
માલપુરના ક્રિષ્નાપુર પાટિયા પાસે એકાએક કાર પલટી મારતા ગંભીર અકસ્માત સર્જાયો, એક મહિલાનું મોત
માલપુરના કૃષ્ણાપુર પાસે મુંબઈનો એક પરિવાર નાથદ્વારા દર્શન કરી પરત ફરતા હતા. ત્યારે માલપુરના કૃષ્ણાપુર પાટિયા પાસે કૂતરું વચ્ચે આવી જતા કૂતરાને બચાવવા માટે કાર ચાલકે બ્રેક મારી હતી. ત્યારે કાર એકાએક પલટી ગઈ હતી. કારમાં સવાર 5 મુસાફરોને ઈજાઓ થઈ હતી. આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 108ને જાણ કરી કારમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા. 108 દ્વારા તમામને સારવાર અર્થે માલપુર સીએચસી ખસેડાયા હતા. જ્યાં ગંભીર રીતે ઈજા પામેલી એક મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અન્ય ચાર ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે મોડાસા ખસેડાયા હતા. સમગ્ર ઘટનાની જાણ માલપુર પોલીસને થતા માલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.