માલપુરના બાલાજી કચોરી સેન્ટરની લારી પર બાળ મજૂરી કરાવતા માલિક સામે ફરિયાદ નોંધાઇ
અરવલ્લી જિલ્લામાં જિલ્લા સહીત પરપ્રાંતીય ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારના બાળકો રમવાની અને અભ્યાસ કરવાની ઉંમરે મજબૂરીવશ બાળ મજૂરીમાં જોતરાઈ જાય છે. જિલ્લામાં હોટલના સંચાલકો, કોન્ટ્રાકટરો, ચાની કીટલીવાળા, નાસ્તા અને ખાણીપીણીની દુકાનો અને રેકડીઓ તેમજ વેપારીઓ દ્વારા નાના બાળકોને બાળ મજુરી કરાવવમાં આવી રહી છે. તેમજ પુરતા પ્રમાણમાં વેતન ચૂકવી શોષણ કરવામાં આવતું હોવાનું જગજાહેર છે. જિલ્લામાં શ્રમ અધિકારી તથા બાળ મજુર કચેરીએ જાણે આંખે પાટા બાંધ્યા હોય તેવી સ્થિતિ પ્રવર્તી રહી હોવાની બૂમો વચ્ચે સરકારી શ્રમ અધિકારી અને તેમની ટીમે મેઘરજ નગરના બાલાજી કચોરીમાં રેડ કરી બે બાળ મજૂરને મુક્ત કરાવી નાસ્તા હાઉસના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અરવલ્લી જિલ્લા શ્રમ અધિકારી સચિનકુમાર રામજીભાઈ બોદર અને જિલ્લા એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટની ટીમને મેઘરજ નગરમાં માલપુર રોડ પર આવેલી બાલાજી કચેરીનો માલિક તુલસીરામજી ભંવરલાલ સુખવાલ (રહે, પાંડિયો કી ગુવાડી-રાજસ્થાન) તેના નાસ્તા હાઉસમાં બે બાળકો પાસે બાળ મજૂરી કરાવતો હોવાની બાતમી મળતા રવિવારે બાલાજી કચોરીમાં ત્રાટકી 13 અને 12 વર્ષના બે બાળ મજુરને મુક્ત કરાવી માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જિલ્લામાં બાળ મજૂરી કરાવતા માલિકોમાં તંત્રની કામગીરીથી ફફડાટ ફેલાયો હતો.