
ચાડીયા મેળામાં યુવકની હત્યા કેસમાં 6 આરોપીઓ ઝડપાયા, પોલીસે તમામને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યા
કોઈપણ વાર તહેવાર હોય એની ઉજવણી દરમિયાન કોઈ ને કોઈ કારણસર લડાઈ ઝગડા થતા હોય છે. ત્યારે ઝગડો ઉગ્ર બનતા ખુની ખેલ ખેલાતા હોય છે. આવી જ એક ઘટના માલપુરના નાથાવાસ ગામે બની હતી. 9 માર્ચના રોજ નાથાવાસ ગામનો દિનેશ ડામોર ચાડીયાના મેળામાં ગયો હતો. મેળો પત્યા બાદ આ યુવક અરવિંદ ખરાડીના ઘરે ગયો હતો. ત્યાં કોઈ કારણોસર દિનેશ ડામોર અને અરવિંદ ખરાડી વચ્ચે કોઈ બાબતે ઝગડો થયો અને દિનેશ ડામોરે અરવિંદ ખરાડીને ચપ્પુ માર્યું હતું. જેથી અરવિંદ ખરાડી લોહી લુહાણ થયો હતો.
અરવિંદ ખરાડીના પુત્રો અને અન્ય સાગરીતો દોડી આવ્યા અને દિનેશ ડામોરને ખેંચી ઘઉંના ખેતર તરફ લઈ ગયા હતા. એ સમયે દિનેશના પિતાએ બુમાબુમ સાંભળી અને ત્યાં દોડી આવ્યા હતા. તેમને પણ ધમકી આપી કાઢી નીકાળી દીધા હતા અને ત્યાં દિનેશ ડામોરની હત્યા કરવામાં આવી. લાશને ઓરડીમાં મૂકી દીધી. આ બાજુ દિનેશના પિતા દિનેશ ક્યાંક જતો રહ્યો એમ માની શોધખોળ કરતા રહ્યા. ત્યારે 11 માર્ચે સવારે મેવડા ગામની સિમમાં કાંટાની વાડમાં એક યુવક ની લાશ છે એવા સમાચાર મળતા ત્યાં જઈ જોયું તો દિનેશ ડામોરની લાશ હતી. જેથી પોલીસે દિનેશના પિતા ખાતુંભાઈના નિવેદનના આધારે 6 લોકો સામે હત્યા નો ગુનો નોંધી તમામ 6 આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યા હતા.