
હિંમતનગરમાં 5 કિમીની સાયકલ રેલી યોજાઈ; આરોગ્ય અધિકારીઓ
3 જૂન સમગ્ર વિશ્વમાં સાયકલ દિવસ તરીકે ઉજવાય છે. હિંમતનગરમાં સાબરકાંઠા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ અને હિંમતનગરના ટુ ગેધર ક્લબના સહયોગથી 5 કિમીની સાયકલ રેલી યોજાઈ હતી. આ આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, ટુ ગેધર ક્લબના સભ્યો અને શહેરીજનોએ ઉત્સાહભેર મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
આજે સાયકલ દિવસ છે. ત્યારે હિંમતનગરના મહાવીરનગર ચાર રસ્તે કેનાલ ફ્રન્ટથી નવા ગામ સુધી 5 કિમીની સાયકલ રેલી યોજાઈ હતી. સાબરકાંઠા જિલ્લા પંચાયતના હેલ્થ સોસાયટી દ્વારા ‘ફીટ ઇન્ડિયા ફીટ ગુજરાત’ અંતર્ગત આરોગ્ય માટે સાયકલ શીર્ષક હેઠળ હિંમતનગરના સાયકલીસ્ટોના ટુ ગેધર ક્લબના સહયોગથી યોજાયેલી સાયકલ રેલીનો પ્રારંભ મહાવીરનગર ચાર રસ્તેથી થયો હતો. આ સાયકલ રેલી તસીયારોડ પરથઈને નવા ગામ પહોંચી હતી. જ્યાંથી પરત મહાવીરનગર ચાર રસ્તે આવી હતી. આ રેલીમાં આરોગ્ય વિભાગના અધિકારી ડો. રાજ સુતરીયા હિંમતનગર નગરપાલિકા પ્રમુખ યતીનીબેન મોદી, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. રાજેશ પટેલ, ટુ ગેધર ક્લબના મેહુલ જોશી, નીલ પટેલ, ડો. અમિત પાઠક સહિત સાયકલીસ્ટ જોડાયા હતા.
સાયકલ ચલાવવાથી શારીરિક જ નહીં, પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભકારી છે. આ એક સારી કસરત છે. આ હૃદય, રક્તનળી અને ફેફસાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. રોજ અડધો કલાક સાયકલ ચલાવવાથી પેટની ચરબી ઓછી થાય છે અને ફિટનેસ જળવાય છે. શરીરના સ્નાયુઓને સ્વસ્થ અને મજબૂત બનાવે છે. સાયકલ ચલાવવાથી ઇમ્યુન સિસ્ટમ સારી રીતે કામ કરે છે અને થાકને કારણે સારી ઊંઘ આવે છે. સાયકલ તણાવના સ્તર અને હતાશાને પણ ઘટાડે છે. સાયકલ ચલાવીને અતિરિક્ત ચરબી ખૂબ જ સરળતાથી બાળી શકાય છે. સ્વાસ્થ્યની સાથે સાથે સાયકલ તમારા પૈસા બચાવવાનું પણ કામ કરે છે. આમ સાયકલ ચલાવવાથી ફાયદાઓનો ભંડાર છે.