મોડાસાના માલપુર રોડ પર આવેલા કોમ્પલેક્ષ ધરાશાયી થતાં 3 શ્રમિકો દબાયા એક મોત
મોડાસા શહેરના માલપુર રોડ પર એક કોમ્પ્લેક્ષનું કામ નિર્માણધીન હતું. આ બિલ્ડીંગના ચોથા માળનું કામ ચાલુ હતું. તે દરમિયાન ચોથા માળનો સ્લેબ એકાએક તૂટી પડ્યો હતો અને નીચે કામ કરતો એક શ્રમિક અને સ્લેબ પર પ્લાસ્ટરનું કામ કરતા અન્ય બે શ્રમિકો દબાયા હતા. ધડાકાભેર સ્લેબ તૂટી પાડવાની ઘટનાથી આસપાસના લોકો દોડી આવ્યા હતા. મોડાસા પાલિકાના ફાયરના માણસો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કાટમાળ નીચે દબાયેલ શ્રમિકોને બહાર કાઢ્યા હતા. જેમાંથી એક શ્રમિકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બે શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાં અન્ય એક શ્રમિકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને ગંભીર સ્થિતિમાં રહેલા શ્રમિકને વધુ સારવાર અર્થે હિંમતનગર ખસેડાયા હતા.
મોડાસા ટાઉન પોલીસ અને મોડાસા પાલિકા પ્રમુખ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પાલિકા દ્વારા બિલ્ડર દ્વારા કેટલા માળની મંજૂરી હતી. કેવું મટીરીયલ વાપરતા હતા સહિત અન્ય બાબતે તપાસ હાથ ધરી છે.