
મોડાસા ચારરસ્તા પોલીસ ચોકી પાસે નશાની હાલતમાં યુવકે બબાલ કરતા અન્ય 3 યુવકોએ ઢોર માર માર્યો
હવે લુખ્ખા અને અસામાજિક તત્વોને જાણે કાયદાનો ડર રહ્યો નથી તેમ સહેજ વાતમાં મારામારી અને હુમલો કરતા ખચકાતા નથી. ત્યારે આવી જ એક ઘટના મોડાસા ચાર રસ્તા પાસે સામે આવી છે.દિવાળીની પૂર્વ સંધ્યાએ અરવલ્લીના મોડાસા શહેરમાં એક તરફ માર્કેટમાં લોકોની ખરીદી માટે ભીડ જોવા મળી છે. ત્યારે આવા સમયે મોડાસાના હાર્દસમા ચાર રસ્તા પાસે અને પોલીસ ચોકી પાસે કેટલાક અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો. નશાની હાલતમાં હોય એવા એક લાલ કલરના શર્ટવાળા યુવક દ્વારા કોઈ અગમ્ય કારણોસર બેહૂદુ વર્તન કર્યું હતું. જેથી અન્ય ત્રણ યુવકો દ્વારા એ યુવકને માર મારવામાં આવ્યો હતો.
ચાર રસ્તા પર પોલીસ ચોકી નજીકમાં જ છે. છતાં જાણે અસામાજિક તત્વોને કોઈનો ડર રહ્યો નથી. જોકે પોલીસ પણ મુક પ્રેક્ષક બની હોય એવું જણાઈ રહ્યું હતું. તહેવાર ટાણે પોલીસ દ્વારા ફૂટ માર્ચ પણ કરીને લોકોને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે જાગૃત કરાય છે. જિલ્લા કલેક્ટર દ્વારા પણ શાંતિ જાળવવા માટે એક જાહેરનામું બહાર પડ્યું છે. તેમ છતાં મોડાસાના મુખ્ય ચાર રસતા પાસે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો સરેઆમ ભંગ કરાઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે.