મોડાસા ડેપોમાંથી મહિલાના ગળામાંથી સોનાની ચેનની તફડંચી કરનાર 3 ઝબ્બે
મોડાસાના હંગામી એસટી બસ ડેપોમાં મુસાફરોની ભીડનો લાભ લઈને 10 દિવસ અગાઉ મહિલાના ગળામાંથી સોનાનો દોરો તોડી પલાયન થઈ જનાર મહેસાણા અને બનાસકાંઠાના ત્રણ શખ્સોને એલસીબીએ રાજેન્દ્રનગર મોડાસા હાઇવે ઉપર ઇકો સાથે દબોચી લીધા હતા. પોલીસે સોનાના દોરામાંથી બનાવેલી 62,200 ની રણી, 4 મોબાઇલ અને ઇકો સહિત કુલ .રૂ 3,73,200 નો મુદ્દામાલ કબજે લઈને દોરા તોડતી આ ગેંગની વધુ પૂછપરછ હાથ ધરી છે.
અરવલ્લી એલસીબીને બાતમી મળી હતી કે મોડાસાના હંગામી એસટી ડેપોમાં 19 જૂને સાંજે 4:30 કલાકે બસમાં ચડી રહેલી મહિલા ના ગળામાંથી ભીડનો લાભ લઈને શખ્સો સોનાનો દોરો તોડીને પલાયન થઈ ગયા હતા. દરમિયાન આ શખ્સો ઈકો નં. gj 08 cm 2200 લઈને રાજેન્દ્રનગર મોડાસા રોડ ઉપર આવી રહ્યા હોવાની માહિતીના આધારે એલસીબીએ ત્રણેય શખ્સોને ઝડપી અંગઝડતી લેતાં તેમની પાસેથી 14.950 મિલીગ્રામ કિં. 62200 ની સોનાના દોરામાંથી બનાવેલી રણી મળી હતી. પોલીસે પૂછપરછ કરતાં મોડાસા ડેપોમાંથી 10 દિવસ અગાઉ દોરાની તફડંચી કર્યાની કબુલાત કરી હતી.