
મેઘરજ નગરમાં આવેલી બેન્ક ઓફ બરોડામાં રૂ.12.60 લાખની ચિલઝડપ
આજકાલ ચોરી, ઘરફોડ ચોરી અને લૂંટની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે મેઘરજ બેન્ક ઓફ બરોડામાં નાણાં ભરવા આવેલા કર્મચારી પાસેથી નાણાં ભરેલી બેગની ચિલઝડપ કરાઈ હતી.
મેઘરાજ ખાતે આવેલ IIFLગોલ્ડલોન કંપનીના કર્મચારી નિરવ પટેલ પોતાની કંપનીના નાણાંના કામ માટે બેન્ક ઓફ બરોડાની મેઘરજ શાખામાં આવેલા હતા. તેની પાસેના થેલામાં 12.60 લાખ રૂપિયા હતા. જે નાણાંની ચિલઝડપ કરવા માટે લાલ અને સફેદ ચેક્સનો શર્ટ પહેરેલો એક લબરમુછીયો બેન્કમાં ઉભેલો સીસીટીવીમાં દેખાઈ રહ્યો છે. તેને તક મળતા જ નીરવ પટેલ પાસે રહેલા રૂ.12.60 લાખ ભરેલ થેલાની ચિલ ઝડપ કરીને યુવક બેન્કમાંથી બહાર નીકળીને દોડતો સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે.સમગ્ર ઘટનાને લઈ મેઘરજ પોલીસ સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી આવી અને બેન્કના અને અન્ય સ્થળોના સીસીટીવી મેળવીને નાણાંની ચિલઝડપ કરી ભાગી જનાર લબરમુછીયાને ઝડપી લેવા પ્રયાસો હાથ ધર્યા છે.