ચાણસ્માના ખોખલા ગામે પંચમુખી મહાદેવમાં દર સોમવારે ભરાતો લોકમેળો

શ્રાવણ માસનો રવીવારથી પ્રારંભ થઈ ગયો છે. આ માસમાં મોટાભાગના ધાર્મિક તહેવારો આવતા હોઈ ધાર્મિક દૃષ્ટિએ તેનું સૌથી વધારે મહત્વ છે. શ્રાવણ માસમાં શિવ મંદિરોમાં બિલિપત્ર, હોમ-હવન અને પૂજા અર્ચન સહિતના કાર્યક્રમોથી ઓમ નમઃ શિવાયના નાદથી વાતાવરણ ગૂંજી ઉઠે છે. જે અંતર્ગત ચાણસ્મા તાલુકાના ખોખલા ગામે આવેલા પંચમુખી (મસિયા) મહાદેવના પવિત્ર સ્થાને શ્રાવણ માસના દર સોમવારે ભક્તોની ભારે ભીડ દર્શનાર્થે ઉમટી પડે છે.
ખોખલા ગામે જિલ્લા પંચાયત પાટણ હસ્તકનું આશરે ૧ર૦૦ વીઘામાં પથરાયેલું સિંચાઈ તળાવ આવેલું છે. જેનાતટ ઉપર પાંચ મુખની આકૃતિ ધરાવતું શીવલિંગ ધરાવે છે. આજુબાજુના ગામોના લોકોની આ જગ્યા આસ્થાનું કેન્દ્ર હોઈ આખાય શ્રાવણ માસ દરમિયાન દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે. શ્રાવણ માસના દર સોમવારે કિડિયારાની માફક માનવ મહેરામણ દાદાના ખોળે શીશ નમાવી ધન્યતા અનુભવે છે. આ મહાદેવ પંચમુખી મહાદેવ ઉપરાંત મસિયા મહાદેવ તરીકે પણ ઓળખાય છે. એક દંતકથા મુજબ, શરીર ઉપર મસ નીકળે તો બાઘા રાખવાથી મટી જતા હોવાથી સ્થાનિક લોકોમાં આ સ્થાનક મસિયા મહાદેવ તરીકે પ્રચલિત બન્યું છે. બાધા ફળતાં દાદાને પ્રસાદરૂપે ગોળ ધરાવાય છે. વિશાળ તળાવના કાંઠે આવેલું આ દૈદિપ્યમાન મહાદેવનું શિવાલય તળાવમાં પાણી ભરતા સુશોભિત લાગે છે. દર સોમવારે મેળા દરમિયાન ખાણી-પીણીનું બજાર પણ ભરાય છે. અહીં રોડ રસ્તા અને લાઈટની સુવિધા હોઈ આસપાસની શાળાઓના બાળકો પણ અહીં પર્યટન માટે આવતા હોય છે. સાચ્ચે જ, આ મંદિરના દર્શન એક લ્હાવો ગણાય છે
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.