બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષા અંતે રદ

ગાંધીનગરઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગત 17 નવેમ્બરે લેવાયેલી બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષાને અંતે રાજ્ય સરકારે રદ કરી દીધી છે. આ પરીક્ષાઓમાં વ્યાપક ગેરરીતિઓ થઇ હોવાના છ લાખથી વધુ ઉમેદવારોના આક્ષેપોનો SITએ સ્વીકાર કર્યો છે. એટલું જ નહીં, પરીક્ષાર્થીઓએ સરકારને ગેરરીતિના જે પુરાવા આપ્યા હતા તે બધાં જ પ્રમાણિત હોવાની FSL દ્વારા પુષ્ટિ કરાતા SITએ આજે રાજ્ય સરકારને પોતાનો તપાસ અહેવાલ સુપરત કર્યો હતો અને આ પરીક્ષા રદ કરવાની ભલામણ કરાઈ હતી. આ મામલે આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગાંધીનગરમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, વિદ્યાર્થી આગેવાનોએ પુરાવારૂપે 10 જેટલા મોબાઈલ, સીસીટીવી આપ્યા હતા, જેની FSL દ્વારા ચકાસણી કરવામાં આવી છે. સીસીટીવીમાં પરીક્ષાર્થીઓ એકબીજાને પૂછીને અને ચાલુ પરીક્ષાએ મોબાઈલમાં જોઈને જવાબો લખતા જોવા મળ્યા હતા.
 
પ્રદીપસિંહે ઉમેર્યું હતું કે, આ પરીક્ષાઓમાં ચોરી થઈ હોવા બાબતે અત્યારસુધીમાં બનાસકાંઠા, ગીર સોમનાથ તથા સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ ચાર ફરિયાદ નોંધાઈ છે. આ ઉપરાંત બીજા પણ જે પૂરાવા મળ્યા છે તેની સઘન તપાસ કરાશે. આ તપાસ દરમિયાન જે પણ ઉમેદવારે પરીક્ષામાં એકબીજાને પૂછીને કે મોબાઈલમાંથી જોઈને કે અન્ય રીતે ચોરી કરીને જવાબો લખ્યા હોવાનું માલૂમ પડશે તેમની સામે એફઆઈઆર નોંધાશે. આવા તમામ ઉમેદવારો પર રાજ્ય સરકાર દ્વારા લેવાતી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેવા બાબતે ત્રણ વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવશે.
 
બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં પેપર ફૂટી ગયાના આક્ષેપો થયા બાદ રાજ્યના પાંચ જિલ્લામાંથી ગેરરીતિની કુલ 39 ફરિયાદ આવી હતી. પરીક્ષાર્થીઓના આગેવાનોએ રાજ્ય સરકારને તપાસ માટે 10 મોબાઈલ ફોન પણ આપ્યા હતા. આ તમામ મોબાઈલમાં પરીક્ષાનું પેપર ફૂટ્યાના તેમજ ચાલુ પરીક્ષામાં ગેરરીતિઓ થતી હોવાના પૂરાવા એકત્ર કરાયા હતા. SIT દ્વારા આ તમામ ફરિયાદો અંગે તપાસ કરવામાં આવી હતી અને અંતે રાજ્ય સરકારને પરીક્ષા રદ કરવાની ભલામણ કરાઈ હતી.
 
ઉલ્લેખનીય છે કે, આ પેપર ફૂટ્યાનું ફલિત થતાં જ રાજ્યભરમાંથી પરીક્ષાર્થીઓ 4 ડિસેમ્બરથી ગાંધીનગરમાં એકત્ર થવા લાગ્યા હતા. પહેલા દિવસે તેમની પર લાઠીચાર્જ કરાયો હતો અને તેમના આગેવાન યુવરાજસિંહ ગોહિલ અને યુવરાજસિંહ જાડેજા સહિતનાને અટકમાં લેવાયા હતા. જો કે, 5 ડિસેમ્બરથી તો રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં પરીક્ષાર્થીઓ ગાંધીનગર એકત્ર થવા લાગ્યા હતા અને તેમણે રાત્રે કડકડતી ઠંડીમાં પણ સચિવાલય પાસે બેસી રહીને વિરોધ દર્શાવ્યો હતો. તમામ પરીક્ષાર્થીઓએ પરીક્ષા રદ કરવાની એક જ માગણી વારંવાર દોહરાવતા રાજ્ય સરકાર પર રીતસરનું પ્રેશર આવ્યું હતું.
 
આ દરમિયાન એસઆઇટીના સૂત્રોના જણાવ્યા અનુસાર તેમણે ઉમેદવારોએ આપેલી તમામ સીસીટીવી ફૂટેજ ક્લિપ ચકાસી હતી અને તેની ખરાઇ માટે એફએસએલને પણ મોકલી હતી. આ તપાસ દરમિયાન વિડીયો ફૂટેજની ક્લિપ સાચી હોવાનું માલૂમ થયું છે. તે સિવાય વિદ્યાર્થીઓએ સરકારને અમુક પરીક્ષા કેન્દ્રો પરથી કેટલાંક ઉમેદવારોએ વોટ્સએપ મારફતે પ્રશ્નપત્રનો ફોટો પાડીને અન્ય વ્યક્તિને મોકલ્યું હતું અને તે થોડી જ મિનિટોમાં વાઇરલ થઇ ગયું હતું. એસઆઇટીએ આ બાબતની ખરાઇ કરતા તે પણ સાચી હોવાનું ફલિત થયું છે.
 
આ અગાઉ આ પરીક્ષા માટે ઉમેદવારની લાયકાત ધોરણ-12ને બદલે સ્નાતકની કરવા સરકારે પરીક્ષા મોકૂફ કરી નવી તારીખો જાહેર કરી હતી. પરંતુ તેમાં પણ પરીક્ષાર્થીઓએ સરકારના નિર્ણયનો વિરોધ કરતાં સરકારે તે જાહેરાત પણ રદ્દ કરી ભરતી માટે ધોરણ-12 પાસની લાયકાત યથાવત રાખી હતી. આમ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા સરકારે આ બીજી વખત રદ કરવી પડી છે.
 
બિનસચિવાલય ક્લાર્કની ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા 17 નવેમ્બરે યોજાયેલી ભરતી પરીક્ષામાં ગુજરાતના ત્રણ હજારથી વધુ કેન્દ્રો પર સાત લાખ જેટલાં ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ત્રીજી ડિસેમ્બરે આ પરીક્ષામાં ચોરી થઇ હોવાના પુરાવા સામે આવતાં ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને પરીક્ષા રદ્દ કરવાની માગ થઇ. તેની સામે ચોથી ડિસેમ્બરે સરકારે તપાસ માટે એસઆઇટીની રચના કરી તપાસ સોંપી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.