થરાદ વિજકંપની-૨ ના ડી.ઇ. ખેડૂતોને નાણાકીય વ્યવહાર કરવા મજબુર કરતા હોવાનો આક્ષેપ

થરાદ : થરાદના કેશરગામ, ચોટપા ગામના પૃથ્વી ફિડરમાં આઠ દસ દિવસથી ખેતી માટે વિજળી નહી મળતાં સાંચોર હાઇવે પર વિજકંપની વિભાગીય કચેરી-૨ માં આવેલા ખેડુતોએ જણાવ્યું હતું કે સિંચાઇ માટે ભારે મુશ્કેલી સર્જાઈ હતી. દરમ્યાન સોમવારની રાત્રે વિજપુરવઠો ચાલુ થતાં ખેડુતોએ સિંચાઇ માટે પોતાના બોર ઉપર આવેલી ઇલેક્ટ્રોનિક વિજમોટરો ચાલુ કરતાં વિજપ્રવાહની ખામીના કારણે અલગ અલગ ખેડુતોની દસથી બાર મોટરો બળી જવા પામી હતી. આથી તેમને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.આ અંગે ૨૦ થી  ૨૫ જેટલા ખેડુતો મંગળવારે વિજકચેરીએ રજુઆત કરવા દોડી આવ્યા હતા. પરંતુ ત્યાં કર્મચારીઓ દ્વારા આડોડાઈ કરતાં તેમજ સંતોષકારક જવાબ ન આપતા હોવાથી ખેડુતોમાં રોષ જોવા મળ્યો હતો.આથી ખેડુતોએ આ અંગે આખરે મીડિયાને જાણ કરાતાં મીડિયા સ્થળ ઉપર પહોંચતાં હાજર વિજ કર્મચારીએ ખેડુતોની લેખિત અરજી સ્વીકારી હતી
બીજી બાજુ વ્યક્તિગત કામે થરાદ-૨ની ઓફીસે આવેલા થરાદ તાલુકા ભારતીય જનતા પાર્ટીના મંત્રી મેવાભાઇ ખટાણાને ખેડુતોએ રજુઆત કરતાં તેઓ ડી.ઇ.ને મળવા કચેરીમાં ગયા હતા.પરંતુ ડી.ઇ. હાજર ન હોઇ ટેબલ પર પગ ચડાવીને ગપ્પાં મારવામાં વ્યસ્ત કર્મચારીઓ નજરે ચડ્‌યા હતા. આ અંગે ડી.ઇ.ને આડેહાથે લેતાં મિડીયા સમક્ષ મેવાભાઇએ જણાવ્યું હતું કે આખા થરાદ તાલુકામાં ફરતાં વિજળીની જેટલી ફરિયાદો નથી એના કરતાં વધુ વ્યક્તિગત ફરિયાદો ડી.ઇ.રાઠોડની ઉઠતી રહે છે. તેઓ પોતાની જાતને અધિકારી નહી પણ મહારાજા કે સુલતાન સમજતા હોય તેવું વર્તન ખેડુતો સાથે કરે છે. તેમણે ડી.ઇ.પર ચોંકાવનારો આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે જવાબ અને સમયસર કેબલ નહી આપીને વ્હાલા દવલાની નિતી અપનાવી ગેરરિતી કરવા માટે યેનકેન પ્રકારે ખેડુતને એટલી હદે હેરાન કરાય છે કે નાણાકીય વ્યવહાર કરવા મજબુર બનીને જવું પડતું હોવાનું પણ ખેડુતોના માધ્યમથી જાણવા મળ્યું હતું. જોકે આ વખતે એક ખેડુતે ગઇ કાલે જ ડીપી ચડાવવા માટે આવેલા વિજકર્મીઓ દ્વારા એક હજારની માંગણી કરાઇ હોવાનું પણ જણાવ્યું હતું. મેવાભાઇ ખટાણાએ જિલ્લાની અધિકારીને વિનંતી સાથે થરાદના ડી.ઇ.રાઠોડને નાથવાના પ્રયત્નો કરવામાં નહી આવેતો ઉપવાસ આંદોલન પર ઉતરવાની ચિમકી પણ ઉચ્ચારતાં ચકચાર મચી જવા પામી હતી. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.