હાઈકોર્ટે અલ્પેશ ઠાકોર અને વિધાનસભા સ્પીકરને નોટીસ ફટકારી, 27મીએ અંતિમ સુનાવણી

ગાંધીનગર: કોંગ્રેસથી છેડો ફાડી લોકસભા ચૂંટણીમાં નુકસાન કરાવનાર અલ્પેશ ઠાકોરના ધારાસભ્ય પદને ગેરલાયક ઠેરવવા કોંગ્રેસ સંઘર્ષ કરી રહી છે. અલ્પેશનું ધારાસભ્ય પદ ગેરલાયક ઠેરવવા કોંગ્રેસે કરેલી અરજી ને હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી હતી. તેમજ અરજી પર કાર્યવાહી કરવા માટે રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને અર્જન્ટ નોટિસ ઈસ્યુ કરી હતી. આવતી 27મી જૂને અંતિમ સુનાવણી હાથ ધરાશે.
 
આ વર્ષે 6 એપ્રિલે અલ્પેશ ઠાકોરે પક્ષ છોડવાની જાહેરાત કર્યાના ચાર દિવસ બાદ 10 એપ્રિલે કોંગ્રેસને રાજીનામું મોકલ્યું હતું. જેમાં તેણે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું હતું પરંતુ ધારાસભ્ય પદ ચાલુ રાખ્યું હતું. લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારના સમર્થનમાં બનાસકાંઠાના દિયોદરમાં સભા કરતાં પક્ષ વિરોધી કાર્યને પગલે કોંગ્રેસ તેની સામે પગલાં લેવાનો નિર્ણય લઈ તેને બિહારના સહપ્રભારી પદેથી હટાવ્યો હતો.
 
પાટણ, બનાસકાંઠા બેઠક પર લોકસભામાં કપરાં ચઢાણ જોતા ભાજપે છેલ્લી ઘડીએ અલ્પેશને ભાવ આપવાની ફરજ પડી હતી. ઉત્તર ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા શંકર ચૌધરીએ પુન: 'ઓપરેશન બનાસ' સક્રિય કરીને ખેલ પાડી અલ્પેશને ભાજપ તરફી કર્યો હતો અને છેલ્લા બે દિવસ તેણે ભાજપનો પ્રચાર કર્યો હતો.
 
કોંગ્રેસે ઠાકોર જૂથને રાજી રાખવા અલ્પેશને બિહારનું પ્રભારીપદ આપવા ઉપરાંત ચૂંટણીલક્ષી દરેક સમિતિમાં સ્થાન આપ્યું હતું. એ પછી પણ અલ્પેશે નાક દબાવવાનું ચાલુ રાખી લોકસભાની બે બેઠક, પોતાની પત્ની માટે પાટણ અને બાયડના ધારાસભ્ય ધવલસિંહ માટે સાબરકાંઠાની માગણી કરી હતી. કોંગ્રેસે અલ્પેશની અમર્યાદ મહત્વાકાંક્ષાને પારખીને તેનો છેદ ઊડાડી દીધો હતો. જેને પગલે તેણે કોંગ્રેસમાં બળવો કર્યો હોવાનું રાજકીય ચર્ચાઓ થઈ હતી.
 
પાટીદાર અનામત આંદોલનથી ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ ચહેરો બનેલો હાર્દિક પટેલ આખરે કોંગ્રેસમાં જોડાયો હતો. હાર્દિકના કોંગ્રેસમાં જોડાવાથી અલ્પેશ જૂથનું મહત્વ ઘટી ગયું હતું. જેને પગલે ગુજરાત કોંગ્રેસમાં નવી ઘર્ષણ રેખા તણાઈ હતી. જેમાં એકતરફ હાર્દિક પટેલ અને બીજી તરફ અલ્પેશ ઠાકોર હતો. બંને યુવા નેતાઓની અત્યંત મહત્વકાંક્ષીના કારણે ગુજરાત કોંગ્રેસમાં સત્તાની સાઠમારી શરૂ થઈ હતી.
 
કોંગ્રેસથી છેડો ફાડ્યા બાદ તેની ભાજપના નેતાઓ સાથે સમયાંતરે મુલાકાત વધી રહી છે. ત્યારે ઠાકોર સેનાના આગેવાનો સાથે આગામી 29-30 જૂને બેઠક કરીને ભાજપમાં જોડાવવા અંગે નિર્ણય લઈ શકે છે. જો કે ઠાકોર સેના તેને સંગઠન મજબૂત કરવાની બેઠક ગણાવી રહ્યું છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.