સ્કૂલના સંચાલકે IOCની પાઈપ પંચર કરી ઓઈલ ચોરી શરૂ કરી

અમદાવાદ: અમદાવાદ જિલ્લામાંથી પસાર થતી સલાયા-મથુરાની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની પાઈપલાઈનમાં પંચર કરી અન્ય પાઈપલાઈન જોડી અને ઓઈલ ચોરીનું કૌભાંડ સામે આવ્યું છે.

સાણંદની સૂરજ મોતી સ્કૂલના સંચાલકે સાગરીતો સાથે મળી સ્કૂલ કમ્પાઉન્ડમાં જ પાઈપલાઈન નાખી હતી અને ઓઈલ ચોરી કરતા હતા. અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે સ્કૂલ સંચાલક સ‌િહત સાત લોકોની ધરપકડ કરી છે.

અમદાવાદ જિલ્લામાં સાણંદ અને આસપાસના વિસ્તારમાંથી સલાયા- મથુરાની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની પાઈપલાઈન પસાર થાય છે. બે દિવસ પહેલાં ખેડાના નવાગામ સ્ટેશનના ઇન્ચાર્જ સીમરદીપસિંગ ભલ્લાએ આઈઓસીના ઓપરેશન મેનેજરને જાણ કરી હતી કે સાણંદ વિસ્તારમાં પાઇપલાઇનમાંથી ઓઇલ ચોરી થાય છે, જેથી અમદાવાદ ગ્રામ્ય એલસીબી અને આઈઓસીના અધિકારીઓએ તપાસ કરતાં સાણંદની સૂરજ મોતી સ્કૂલ નજીક ખેતરમાંથી પસાર થતી પાઇપલાઇનમાં પંચર કરી અને ચોરી કરવામાં આવી છે.

જેથી પોલીસ સાથે રાખી તપાસ કરતાં પાઇપલાઇનમાં પંચર પાડવામાં આવ્યું હતું અને વાલ્વ ફિટ કરી અન્ય એક પાઈપલાઈન ફિટ કરી અને તે સૂરજ મોતી સ્કૂલના કમ્પાઉન્ડમાં ફિટ કરવામાં આવી હતી. સ્કૂલ કમ્પાઉન્ડમાંથી અન્ય પાઈપલાઈન મળી આવી હતી. આ મામલે આઈઓસીના અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે સ્કૂલના સંચાલક અમરીશ હેમેન્દ્રભાઈ પટેલ (રહે. નારણપુરા) અને સ્કૂલના ચોકીદાર બબલુ ઠાકુર (રહે. સાણંદ)ની ધરપકડ કરી હતી.

પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે અમરીશ હેમેન્દ્રભાઈ પટેલે સરખેજમાં રહેતા ગુલામહુસેન શેખ, સોહીલ ઉર્ફે સોહેલ, ફિરોજ શેખ, મહંમદ અફઝલ અને ભાવનગરના ચિરાગ નામના શખ્સ સાથે મળી ઓઈલ ચોરી કરતા હતા.

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની પાઈપલાઈનમાં પંચર કરી અન્ય પાઈપલાઈન જોડી સ્કૂલ કમ્પાઉન્ડમાં તેનું જોડાણ આપી ઓઈલ ચોરી કરતા હતા. પોલીસે હાલ સાતેયની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.